↵જામનગર મહાપાલિકાના વિકાસ કાર્યોની ગતિ મંદી પડી... ચોમેર ચર્ચા
પ્રશ્ર્નાર્થ: ગ્રાન્ટની અછત કે મનપાની જુદી-જુદી શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ સળગતો સવાલ, સીસી રોડ, ભૂગર્ભ ગટર સહીતની કામગીરીમાં કાચબા ગતિની ફરિયાદો
અલગ-અલગ કામના નાણાંની ચૂકવણીમાં વિલંબની રાવ: જુદા-જુદા વિસ્તારોમાં મોટાભાગના કામ સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં શહેરીજનોને હાલાકી
જામનગર મહાનગરપાલીકાના વિકાસકાર્યોની ગતિ મંદી પડી છે કે કેમ તે ચર્ચા શહેરમાં ચોમેર થઇ રહી છે. કારણ કે, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા સીસી રોડ, ભૂગર્ભ ગટર, પાણીની પાઇપ લાઇન સહીતના મનપા હસ્તકના કામો પૈકી મોટાભાગના કામ કાચબાગતિએ થઇ રહ્યાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. ત્યારે કામગીરી ધીમી ગતિએ થવા પાછળ ગ્રાન્ટની અછત કે મનપાની જુદી-જુદી શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ કારણભૂત છે તે સળગતો સવાલ ઉઠ્યો છે.અલગ-અલગ કામના નાણાંની ચૂકવણીમાં પણ મનપા દ્વારા વિલંબ થતો હોવાની રાવ પણ ઉઠી છે. મોટાભાગના કામ સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં ભારે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો શહેરીજનો કરી રહ્યા છે.
જામનગર મહાનગરપાલીકાની હદ વર્ષ-૨૦૧૪માં વધતા અનેક નવા વિસ્તારોનો મનપામાં સમાવેશ થયો હતો. શહેરના જૂના અને નવા વિસ્તારોમાં મહાનગરપાલીકા દ્રારા સીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન સહીતની પાયાની સુવિધા તો આરોગ્ય કેન્દ્ર, ગાર્ડન, પાર્ક સહીતના લોકપયોગી મોટા કામ કરવામાં આવ્યા છે. શહેરનો વિકાસ ઝડપી થાય તે માટે પ્રાથમિક સુવિધાની સાથે પહોળા રોડ સહીતના જનસુખાકારીના કામો ગુણવતાની સાથે જેટ ગતિએ થાય તે જરૂરી છે. મહાનગરપાલીકા દ્વારા છેલ્લાં થોડા વર્ષોથી ઉપરોકત કામગીરી ઝડપથી થાય તે માટે કમર કસવામાં આવી છે અને તેની ફળશ્રુતિ જોવા મળી છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી શહેરમાં મહાપાલીકાના વિકાસકાર્યોની ગતિ મંદ પડી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી હોવાની ચર્ચા ચોમેર થઇ રહી છે.
કારણ કે, શહેરના મોટા ભાગના નવા અને જૂના વિસ્તારોમાં ચાલી રહેલા ભૂર્ગભ ગટર, સીસી રોડ, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ સહીતની પાયાની સુવિધાના કામો ગોકળગાયની ગતિએ થઇ રહ્યાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલીકાને મોટાભાગના વિકાસકાર્યો માટે ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. આમ છતાં દર વર્ષે બજેટમાં નવા-નવા વિકાસકાર્યો રજૂ કરવામાં આવે છે. આ સ્થિતિમાં ગ્રાન્ટની અછત કે મહાપાલીકાની જુદી-જુદી શાખાઓ વચ્ચે સંકલનના અભાવના કારણે શહેરમાં વિકાસકાર્યોની ગતિ મંદ પડી છે તે સળગતો સવાલ ઉઠયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલીકાને તાજેતરમાં એડવાન્સ ટેકસ પર રીબેટ યોજના હેઠળ રૂ.૪૧ કરોડથી વધુની આવક થઇ હતી. આથી હાલમાં તો આ નાણાંમાંથી ગાડું ગબડાવામાં આવી રહ્યાની ચર્ચા પણ મનપાના વર્તુળોમાં થઇ રહી છે. આટલું જ નહીં અલગ-અલગ નાના-મોટા કામના નાણાંની ચૂવણીમાં પણ વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. ભૂગર્ભ ગટરની જુદી-જુદી કામગીરી કરનાર કોન્ટ્રાકટરોને ત્રણેક મહીનાથી વધુ સમયથી નાણાંનું ચૂકવણું ન થતાં હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચાર્યા બાદ આંશિક ચૂકવણા કરવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. શહેરના કોઇ પણ વિસ્તારમાં રોડની સુવિધા મહત્વની છે. ત્યારે આ કામગીરી માટે રોડના ખોદકામ બાદ ભૂગર્ભ ગટર અને નળની પાઇપ લાઇનના કામમાં સંકલનના અભાવે પણ કામગીરીમા વિલંબ થતો હોવાની ફરિયાદો પણ શહેરીજનોમાં ઉઠી છે. શહેરમાં કૃષ્ણનગર, પાર્ક કોલોની સહીતના મહત્વના વિસ્તારોમાં મનપા હસ્તકના રોડ સહીતના કામોમાં વિલંબ અને બ્રેક વિકાસકાર્યોની મંદ ગતિના ઉદાહરણ સમાન છે. જેના કારણે કામગીરી સમયમર્યાદામાં ન થતાં હાલાકી પડી રહી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. મનપા હસ્તકના જુદા-જુદા નાના-મોટા કામના નાણાંના ચૂકવણા સમયસર ન થવા પાછળ ગુણવતાનો અભાવ, નબળું કામ, ગ્રાન્ટનો અભાવ સહીતના કારણ કારણભૂત હોય શકે. પરંતુ આ સ્થિતિના પરિણામે ઘણી એજન્સી અને પેઢીઓ અન્ય શહેરો તરફ વળી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે શહેરનો ઝડપથી વિકાસ થાય તે માટે પાયાની અને જનપયોગી સુવિધાના કામોમાં ગતિ લાવવી એ આજના સમયની માંગ નહીં પણ જરૂરી બની છે.
ડામરની શોર્ટ સપ્લાય, માર્ગોની કામગીરીમાં ભારે અવરોધ.!
ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે યુઘ્ધના કારણે ક્રુડની આયાતમાં ભારે ફટકો પડયો છે. અત્રે નોંધનીય છે કે, ગલ્ફના દેશોમાંથી આવતા ક્રુડમાં ડામરનું પ્રમાણ વધારે હોય ડામર સરળતાથી ઉપલબ્ધ થતો હતો. પરંતુ યુઘ્ધના કારણે ડામરની શોર્ટ સપ્લાયના કારણે રાજયની સાથે જામનગરમાં પણ માર્ગની કામગીરીને માઠી અસર પહોંચી હોવાનું મનપાના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. નવાઇની વાત તો એ છે કે, એડવાન્સ નાણાં ચૂકવવા છતાં જોઇએ તેટલા પ્રમાણમાં ડામર મનપાને મળતો નથી. આટલું જ નહીં હાલમાં પ્રથમ નેશનલ હાઇવે ઓથોરીટીને ડામર અને ત્યારબાદ જથ્થો ઉપલબ્ધ થાય તો મહાનગરપાલીકા, જિલ્લા પંચાયત, આરએન્ડબીને ફાળવવામાં આવતો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. આથી ડામરની શોર્ટ સપ્લાયથી નવા રસ્તા તથા માર્ગોની રીપેરીંગ કામગીરીમાં ભારે અવરોધ ઉભો થયાનું સૂત્રોએ જણાવ્યું છે.