BREAKING NEWS

ચિપની અછત અને યુદ્ધની અસરથી જામનગરમાં સ્માર્ટફોન થયા મોંઘાદાટ

  • July 02, 2026 12:16 PM 

ચિપની અછત અને યુદ્ધની અસરથી જામનગરમાં સ્માર્ટફોન થયા મોંઘાદાટ

મોબાઈલ બજારમાં ડિજિટલ મોંઘવારીનો ડામ: વારંવાર મોબાઇલના મોડલ ચેન્જ કરનારાઓને હવે પરવડશે નહીં

ભાવ આસમાને પહોંચતા જામનગરમાં હપ્તા સિસ્ટમનો ક્રેઝ વધ્યો : સ્માર્ટફોનના ભાવમાં ૩૦ થી ૪૦% નો તોતિંગ વધારો, પ્રીમિયમ ગ્રાહકો ઘટ્યા : હવે દિવાળી ડિસ્કાઉન્ટ પર આશા

તાજેતરમાં વૈશ્વિક સ્તરે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૧૭ જૂન સુધી ચાલેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેની સીધી અને વ્યાપક અસર ભારતના અને ખાસ કરીને જામનગરના સ્થાનિક મોબાઈલ માર્કેટ પર જોવા મળી રહી છે.

યુદ્ધ દરમિયાન દરિયાઈ માર્ગો અને લોજિસ્ટિક્સ ખોરવાઈ જતાં ઓલ ઈન્ડિયા મોબાઈલ રીટેલર્સ એસોસિએશન અને કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના આંકડા મુજબ મોબાઈલની કિંમતોમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. જામનગરના સ્થાનિક બજારના ગ્રાઉન્ડ રિયાલિટી અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન અટકી જવાને કારણે સ્થાનિક કક્ષાએ સ્માર્ટફોનના સ્ટોક પર ભારે અસર પડી હતી અને કંપનીઓ દ્વારા શોરૂમ માલિકોને આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલો સ્ટોક ઓછો સપ્લાય કરવામાં આવતો હતો.

જો કે, આ તોતિંગ ભાવ વધારા પાછળ માત્ર ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જ એકમાત્ર કારણ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સ્માર્ટફોન માર્કેટમાં ક્રાંતિ લાવનારી નવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ () સિસ્ટમ મુખ્ય પરિબળ તરીકે ઉભરી આવી છે. આધુનિક ફોનમાં વપરાતી એઆઈ () ચિપ અને રેમ () નામની મેમરી ચિપનું ઉત્પાદન વિશ્વમાં માત્રને માત્ર તાઈવાન અને ચાઈના જ કરે છે. હાલમાં એઆઈ ચિપ અને રેમ ચિપની વૈશ્વિક સ્તરે ભારે અછત સર્જાઈ છે અને તેના આંતરરાષ્ટ્રીય ભાવો સતત આસમાને આંબી રહ્યા હોવાથી સ્થાનિક બજારમાં મોબાઈલના ભાવોમાં રોજેરોજ વધારો ઝીંકાઈ રહ્યો છે.

જામનગરના જ વર્ષો જૂના અને મોબાઈલ ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામના ધરાવતા યશ મોબાઈલના માલિક રાજેશભાઈ ગોહીલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરેરાશ છેલ્લા ત્રણ મહિનામાં ઓવરઓલ મોબાઈલ માર્કેટમાં ૮ થી ૧૦ ટકાનો સીધો ભાવ વધારો જોવા મળ્યો છે. આ મોંઘવારીની અસરમાંથી વૈશ્વિક સ્તરે સૌથી મોટી અને પ્રીમિયમ બ્રાન્ડ ગણાતી એપલ કંપની પણ બાકાત રહી નથી. એપલના આઈફોન સહિતની પ્રોડક્ટ્સમાં ધરખમ ભાવ વધારો થયો છે, જેમાં ખાસ કરીને એપલના આઈપેડની કિંમતમાં સીધો આશરે ૧૫ હજાર રૂપિયા જેટલો જંગી વધારો ઝીંકી દેવાયો છે. અન્ય બ્રાન્ડની કંપનીઓ દ્વારા પણ દર બે-ચાર દિવસે મોબાઈલના ભાવ સતત વધારવામાં આવી રહ્યા છે. માત્ર આખા નવા સ્માર્ટફોન જ નહીં, પરંતુ મોબાઈલ રિપેરિંગમાં વપરાતા સ્પેરપાર્ટ્સ જેવા કે મેમરી ચિપ્સ, ડિસ્પ્લે, પ્રોસેસર અને ચાર્જર, કેબલ, હેડફોન, બેટરી સહિતની તમામ એસેસરીઝની આઈટમોમાં પણ સ્થાનિક સ્તરે ૮ થી ૧૦ ટકાનો ભાવ વધારો થયો છે.

વધુમાં રાજેશભાઈએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે ટ્રાન્સપોર્ટેશન અને કાચા માલની અછતના લીધે મુખ્ય પ્રોસેસિંગ પાર્ટ્સ જેવા કે રેમ અને ચિપસેટના ભાવમાં ૫૦ થી ૧૦૦ ટકા સુધીનો પણ વધારો નોંધાયો છે. આમ, યુદ્ધના કારણે ખોરવાયેલી સપ્લાય ચેઈન અને ચીન-તાઈવાનથી આવતી એઆઈ ટેક્નોલોજી ચિપની વૈશ્વિક તંગીના બેવડા ફટકાને કારણે જામનગર સહિત સમગ્ર દેશના મોબાઈલ માર્કેટમાં હાલ હાહાકાર મચી ગયો છે અને ગ્રાહકો તેમજ વેપારીઓ બંને આ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે.

જામનગરના નામાંકિત પપ્લસ પોઈન્ટથ મોબાઈલ શોરૂમના માલિક રાજેશભાઈ હસવાણીએ આજકાલ સાથેની ખાસ વાતચીતમાં બજારની સળગતી સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, હાલ મોબાઈલ માર્કેટમાં એટલો તોતિંગ ભાવ વધારો છે કે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ દિવસ એવો નથી ગયો કે જેમાં કોઈને કોઈ મોબાઈલ કંપનીએ પોતાના મોડલના ભાવમાં વધારો ન કર્યો હોય. છેલ્લા ત્રણ મહિનાની અંદર જ દરેક મોબાઈલ કંપનીઓમાં સરેરાશ ૩૦ થી ૪૦ ટકા સુધીનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આ ટ્રેન્ડ હજુ લાંબો ચાલશે અને આગામી માર્ચ ૨૦૨૭ સુધી સ્માર્ટફોનના ભાવમાં સતત વધારો જોવા મળશે. હાલમાં ઓપો, વિવો અને રીયલ મી જેવી અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા મોબાઈલના ભાવમાં મોટો વધારો ઠોકી દેવામાં આવ્યો છે, જેમાં રીયલ મીમાં સૌથી વધુ ૫૩ ટકા, ઓપોમાં ૪૧ ટકા, વિવોમાં ૪૦ ટકા અને શાઓમીમાં આશરે ૩૨ ટકા સુધીનો વધારો નોંધાયો છે. 

વધુમાં જણાવતા કહ્યું કે,આ આર્થિક બોજને કારણે ગ્રાહકોની ખરીદી કરવાની શક્તિ પર મોટી નકારાત્મક અસર પડી છે. અગાઉ જે પ્રીમિયમ ગ્રાહકો ૫૦ હજાર રૂપિયાથી વધુ કિંમતના મોંઘા સ્માર્ટફોન રોકડેથી ખરીદતા હતા, તેવા ગ્રાહકોની સંખ્યામાં સીધો ૪૦ ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે. આ ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગના પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેના લીધે હવે લોકો રોકડા પૈસા ચૂકવવાને બદલે નછૂટકે ફાઈનાન્સ કંપનીઓ મારફતે હપ્તેથી એટલે કે ઈએમઆઈ પર મોબાઈલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જે લોકોનું બજેટ હપ્તા ભરવા જેટલું પણ સક્ષમ નથી, તેઓ નવો ફોન ખરીદવાનું સદંતર ટાળી રહ્યા છે અને જો ખૂબ જ અનિવાર્ય અને જરૂરી હોય તો સેક્નડ હેન્ડ એટલે કે જૂનો મોબાઈલ ખરીદીને પોતાનું કામ ચલાવી રહ્યા છે. જો કે, આ મંદી અને મોંઘવારીના માહોલ વચ્ચે તેમણે ગ્રાહકો માટે એક ખુશીના સમાચાર આપતા જણાવ્યું હતું કે, આગામી દિવાળીના તહેવારો સમયે કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે આશરે ૧૦ ટકા જેટલું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે ગ્રાહકોને થોડી રાહત આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application