જામનગર: દરેડ જીઆઇડીસીમાં દારૂની હેરાફેરી : ૧૪.૮૯ લાખના મુદામાલ સાથે બે ઝબ્બે
૨૪૪૮ દારૂની નાની બોટલો અને બોલેરો કબ્જે : ગોમતીપુરમાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાંથી ૨૧૫૦ ચપલા મળ્યા
દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પિકઅપ વાનમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી લીધા હતા, ૨૪૪૮ ચપલા સહિત ૧૪.૮૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે ગોમતીપુરમાં ટ્રાન્સપોર્ટમાં આવેલા પાર્સલમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી મોકલનાર અને મંગાવરનાર બાબતે ફરીયાદ નોંધીને તપાસ આગળ વધારી છે. શિવ સાંઇ પાર્ક અને સરમત પાસે દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર જીલ્લામાં દારૂ-જુગારના કેસો શોધી કાઢવા એસપીની સુચનાથી પંચકોશી-બીના પીઆઇ એચ.બી. ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સંજયકુમાર અને દિવ્યરાજસિંહને સંયુકત બાતમી મળેલ કે દરેડ જીઆઇડીસી ફેસ-૨માં પીસીઆઇ ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતેથી એક બોલેરો પિકઅપ વાહન નં. જીજે૧૦ટીવાય-૪૫૬૨માં ઇંગ્લીશ દારૂ ભરાઇને લાલપુર તરફ જવા નીકળેલ છે તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
દરમ્યાન દરેડ નીલગીરી ગોળાઇ ખાતે બોલેરો પિકઅપને કોર્ડન કરી રોકી તપાસ કરતા વાહનના ઠાઠાના ભાગે સુપરના ૬૮ બાચકાના પાર્સલ હોય જેમાં ૨૪૪૮ દારૂના ચપલા કિ. ૬.૬૩.૪૦૮ તથા અન્ય રોકડા ૬૫૦૦, ૨ મોબાઇલ મળી કુલ ૧૪.૮૯.૯૦૮નો મુદામાલ કબ્જે કર્યો હતો અને જીઆઇડીસી ફેસ-૩, હરી પાર્ક શેરી નં. ૯/બીમાં રહેતા દિવ્યેશ નારણ હુણ અને નિલેશ નારણ હુણ નામના શખ્સોને દબોચી લીધા હતા. જયારે મોબાઇલ નંબરના આધારે તપાસમાં જે નામ ખુલે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
અન્ય દરોડામાં જામનગરના સીટી-બી ડીવીઝન પીઆઇ ચૌહાણ, પીએસઆઇ ડી. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તપાસમાં હતો ત્યારે ગોમતીપુર બજરંગ વાડી પાસે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સીમરન એન્ટરપ્રાઇઝના નામથી માલ મોકલનાર તથા માલ મંગાવનાર યુવરાજ એન્ટરપ્રાઇઝના જવાબદાર માણસ તથા તપાસમાં જે ખુલે તે આરોપીઓએ પાસ પરમીટ વગર જીમમેટના પાર્સલની આડમાં વિદેશી દારૂના ૨૧૬૦ ચપલા કિ. ૫.૮૫.૩૬૦ અને જીમમેટ નંગ ૩૦૦ જેની કિ. ૭૫ હજાર મળી કુલ ૬.૬૦.૩૬૦નો મુદામાલ વેચાણ અર્થે મંગાવી એકબીજાને મદદગારી કરી હતી, આ વિગતોના આધારે એન્ટરપ્રાઇઝવાળા માલ મોકલનાર અને મંગાવનાર તથા તપાસમાં જે ખુલે તેની સામે સીટી-બી ડીવીઝનમાં પ્રોહીબીશન મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ લંબાવી છે.
આ ઉપરાંત જામનગરના નવા સ્મશાન પાસે શિવ સાંઇ પાર્ક ખાતે રહેતા હિતેશ ધીરૂ ગણાત્રાના મકાને સીટી-બી પોલીસે દરોડો પાડી નાની-મોટી દારૂની ૭ બોટલ અને ૩૫ ચપલા મળી ૧૬૪૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, આરોપી હાજર મળી આવ્યો ન હતો.
જયારે જામનગર-ખંભાળીયા હાઇવે સરમત પાટીયા પાસે સિકકા પોલીસ દ્વારા તપાસ કરીને મીઠાપુરના મયુર પોલાભા માણેક અને નવી ધ્રેવાળ વિસ્તારમાં રહેતા તરૂણ ભુરાભા માણેકને એક ચપલા અને બિયરના ચાર ટીન સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application