BREAKING NEWS

જામનગરમાં બેંક કર્મીઓની હડતાલ, આર્થિક વ્યવહારો ખોરવાતા ગ્રાહકોમાં દેકારો

  • September 11, 2026 11:56 AM 

જામનગરમાં બેંક કર્મીઓની હડતાલ, આર્થિક વ્યવહારો ખોરવાતા ગ્રાહકોમાં દેકારો 

દેખાવ: રાષ્ટીયકૃત બેંકો બંધ રહી, બેંકની કામગીરી સપ્તાહમાં પાંચ દીવસ, પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવની માંગ સાથે કર્મીઓના સૂત્રોચ્ચાર

રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થતાં ભારે મુશ્કેલી: કાલના ચેક સોમવારે કલીયર થશે: ત્રણ દીવસ બેંકો બંધ રહેતા અને એટીએમ પણ ખાલીખમ થતાં ગ્રાહકોની કફોડી હાલત

જામગનરમાં આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલથી બેંકો બંધ  રહી હતી. આર્થિક વ્યવહારો ખોરવાતા ગ્રાહકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થતાં બેંક ગ્રાહકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કાલના ચેક સોમવારે કલીયર થશે. ત્રણ દીવસ બેંકો બંધ રહેતા અને એટીએમ પણ ખાલીખમ થતાં ગ્રાહકો કફોડી હાલતમાં મૂકાયા છે. બેંકની કામગીરી સપ્તાહમાં પાંચ દીવસ, પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવની માંગ સાથે કર્મીઓએ સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતાં. 

સરકારની કુટનીતિ અને સમાધાનના ભંગના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના ૭ યુનિયન દ્વારા ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જે અનુસાર જામનગરમાં પણ આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડતા બેંકો બંધ રહી હતી. બેંક કર્મચારીઓએ જામનગરમાં  રણજીતનગર ખાતે આવેલી સેન્ટ્રલ બેેંક ઓફ ઇન્ડીયાની શાખા ખાતે દેખાવ અને સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતાં.   યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંક કર્મચારીઓ અને અધિકારીઓના વિવિધ પડતર  પ્રશ્ર્ને તથા અગાઉ થયેલી દ્રિપક્ષીય સમજૂતીઓના અમલ સરકાર દ્વારા ન કરવામાં આવતા હડતાલનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે.

બેંક યુનિયનો દ્વારા સપ્તાહમા ૫ દીવસ બેંકીગ કામગીરી, સરકારની એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ પીએલઆઇ યોજનામાં યુનિયનો સાથે ચર્ચા કરીને ફેરફાર કરવા તથા અન્ય પડતર માંગણી સંતોષવા માંગણી કરી છે. અત્રે નોંધનીય છે કે,શનિવારે બેંકમાં રજા જાહેર કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી અને સરકારની મંજૂરી તથા જરૂરી પ્રક્રીયા  પૂર્ણ થયા મુજબ કર્મચારીઓ રોજના ૪૦ મીનીટનો કામકાજનો સમય વધારવા સંમત થયા છે. પરંતુ લાંબો સમય થવા છતાં સરકાર તરફથી મંજૂરી આપવામાં આવતી નથી. આ મુદે અગાઉ પણ બેંક યુનિયનો દ્વારા આંદોલન અને હડતાલ પાડવામાં આવી છે. તદઉપરાંત પીએલઆઇ તથા અન્ય મહત્વના પ્રશ્ર્નો ઉકેલાયા નથી તો કેટલાક મુદા સમાધાનની પ્રક્રીયામાં છે. આ તમામ પ્રશ્ર્નો અને માંગણીઓને અનુલક્ષીને કાલે રાજયની સાથે જામનગરમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ એક દીવસની હડતાલ પાડી હતી.

​​​​​​​આથી નેશનલલાઇઝડ બેંકોમાં બેકીંગ કામગીરી બંધ રહી હતી.  બેંક હડતાલમાં જામનગરની ૧૨ નેશનલ બેંકોની ૬૦ થી વધુ શાખાના કર્મચારીઓ જોડાયા હતાં. આથી અંદાજે રૂ.૨૨૦૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થયું હતું. જો કે, ખાનગી અને સહકારી બેંકો કાર્યરત રહી હતી. અત્રે નોંધનીય છે કે બીજો શનિવાર અને રવિવાર બેંકો બંધ હોય ગુ‚વારે બેંકોમાં રજૂ થયેલા ચેક સોમવારે કલીયર થશે. આટલું જ નહીં ત્રણ દીવસ બેંકો બંધ રહેતા બેંક ખાતામાં નાણાં હોવા છતાં ગ્રાહકોને નાણાં માટે રઝળપાટ કરવી પડી હતી. વધુમાં એટીએમમાં પણ નાણાં ખાલીખમ થતાં મુશ્કેલી બેવડાઇ હતી.

અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર માંગણીઓ અને પ્રશ્ર્નોની વખતોવખત સરકારમાં રજુઆત કરવામાં આવી રહી છે જેમાં અમુક પ્રશ્ર્ને સમાધાનકારી વલણ પણ અપનાવવામાં આવ્યું છે પરંતુ તેનો અમલ થયો નથી, આથી રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા સમયાંતરે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જેના કારણે બેંકો બંધ રહેતા આર્થિક વ્યવહારો ઠપ્પ થતાં બેંકના ગ્રાહકો ખાસ કરીને વેપારીઓ, દુકાનદારો, અને ઉદ્યોગકારો ભારે હાલાકીની સાથે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે બેંક કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો અને માંગણીઓનું તાકીદે કાયમી ધોરણે ઉકેલ આવે તે જ‚રી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application