BREAKING NEWS

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ૪૦ ફુટ ઊંડા કૂવામાં પડેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ

  • September 11, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ૪૦ ફુટ ઊંડા કૂવામાં પડેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ 

હાઈડ્રો અને જેસીબીની મદદથી લાંબી જહેમત બાદ ગૌમાતાને સલામત બહાર કઢાઈ 

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અબોલ પશુઓ માટે જોખમી બનેલી ખુલ્લી જગ્યાઓ અને ઊંડા કૂવાઓને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ધરમપુર તેજાવાડી વિસ્તારમાં એક ગૌમાતા આશરે ૪૦ ફૂટ ઊંડા કૂવામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી હતી.
​​​​​​​
જે અંગેની વિગત મુજબ ધરમપુર તેજાવાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં ગૌમાતા અકસ્માતે પડી ગઈ હતી. ગૌમાતા કૂવામાં પડી હોવાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, ખંભાળિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સંસ્થાની રેસ્ક્યુ ટીમ સમય ગુમાવ્યા વિના જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કૂવાની ઊંડાઈ આશરે ૪૦ ફૂટ જેટલી હોવાથી ગૌમાતાને સીધી રીતે બહાર કાઢવી મુશ્કેલ હતી. ગૌમાતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈડ્રો તથા જે.સી.બી.ની મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કૂવામાં પડેલી ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી.

લાંબી અને જહેમતભરી કામગીરી બાદ આખરે ગૌમાતાને સફળતાપૂર્વક કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢ્યા બાદ ગૌમાતાની સ્થિતિ અંગે જરૂરી તપાસ કરવામાં આવી હતી અને વધુ સારવાર તથા દેખરેખની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી.

એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સમયસર પહોંચીને હાથ ધરવામાં આવેલી રેસ્ક્યુ કામગીરીના કારણે કૂવામાં ફસાઈ ગયેલી ગૌમાતાને નવજીવન મળ્યું હતું. અબોલ પશુ મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી કરવી એ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો મહત્વનો ભાગ છે.

સ્થાનિકો દ્વારા પણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની સમયસર કામગીરી અને ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા અને ઊંડા કૂવાઓને કારણે પશુઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે આવા કૂવાઓની આસપાસ સુરક્ષિત વ્યવસ્થા કરવાની અનિવાર્ય જરૂરિયાત પણ આ ઘટનાથી સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application