જામનગર: નવા મોખાણાની સીમમાં પડાવ નાખનાર દીપડાને પકડવા થર્મલ ડ્રોનથી સર્વે કરાશે
સાવચેતીના ભાગરૂપે રણજીતસાગર ડેમથી ગામ સુધીનો વૈકલ્પીક માર્ગ બંધ કરાયો
ગત રાત્રીના વરસાદના કારણે ડ્રોન ઉડાવવામાં અવરોધ: મહીનાથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય
જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં પડાવ નાખનાર દીપડાને પકડવા થર્મલ ડ્રોનથી સર્વે કરવાની કવાયત વનવિભાગે હાથ ધરી છે. સાવચેતીના ભાગરૂપે રણજીતસાગર ડેમથી ગામ સુધીનો વૈકલ્પિક માર્ગ બંધ કરાયો છે. ગત રાત્રીના વરસાદના કારણે ડ્રોન ઉડાવવામાં અવરોધ આવ્યો હતો. મહીનાથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે.
જામનગરના નવા મોખાણમાં દીપડાએ મહીનાથી ધામા નાખ્યા છે. આ દરમયાન એક પશુનું મારણ પણ કર્યું છે. વનવિભાગે પેટ્રોલીંગ કરી ત્રણ સ્થળે મારણ અને ટ્રેપ કેમેરા સાથે પાંજરા પણ મૂકયા છે. ચાલાક દીપડો એક વખત તો પાંજરા સુધી આવી નાસી ગયો હતો. આ સ્થિતિમાં બુધવારે સવારે નવા મોખાણા ગામમાં રહેતા નાજાભાઇ ભરવાડ નામના માલધારી પોતના ઘેટા-બકરા લઇને રણજીતસાગર ડેમના પાળા પરથી પસાર થઇ રહ્યા હતાં. આ સમયે દીપડાએ એક બકરી પર હુમલો કરી મોં પકડી મારણ કરવાની કોશીષ કરી હતી. પરંતુ નાજાભાઇએ હીંમત દાખવી લાકડી પછાડી અને હાકોટા પાડતા દીપડો બકરીને મૂકી નાસી ગયો હતો.
આ બનાવ તથા દીપડો રણજીતસાગર ડેમના પાળા પર આંટાફેરા કરતો હોવાની ફરિયાદોના પગલે રણજીતસાગર ડેમથી નવા મોખાણા સુધીનો કાચીપાળ પરનો વૈકલ્પિક માર્ગ કામચલાઉ બંધ કર્યો છે. બીજી બાજુ દીપડાને પકડી પાડવા માટે ત્રણ પાંજરા યથાવત રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં દીપડાને પકડવા નાઇટ વીઝન થર્મલ ડ્રોનથી રાત્રીના આ વિસ્તારમાં ઉડાવી સર્વે કરવામાં આવશે તેમ વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. કારણ કે, રાત્રીના દીપડાની હીલચાલ વધુ રહે છે. ગત રાત્રીના ડ્રોનથી સર્વે કરવા વનવિભાગે પ્રયાસો કર્યા હતાં. પરંતુ વરસાદના કારણે આ કામગીરીમાં અવરોધ આવ્યો હતો. આથી આજે રાત્રીના જો વરસાદ નહીં હોય તો ડ્રોન ઉડાવી સર્વે કરી દીપડાના સગડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ ઉમેર્યું હતું. જો કે, મહીનાથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે.
દીપડા બાબતે આ તકેદારી રાખવી જરૂરી:
-ઘર, રહેણાક વિસ્તાર આસપાસ બિનજરૂરી ઝાડી-ઝાખરા દૂર કરીને વિસ્તાર સ્વચ્છ રાખો. મરઘાં,કૂતરા જેવા પાલતું પ્રાણીઓને સુરક્ષીત જગ્યાએ રાખો.
-ઘરની આસપાસ અજવાળું રાખો. રાત્રે ફળિયામાં અને ખુલ્લામાં સૂવું નહીં. વાડી કે ખેતર વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ રાત્રે અથવા સાંજના સમયે ખુલ્લામાં કપડાં, વાસણ ધોવા જેવી પ્રવૃતિ ટાળવી.
-વહેલી સવારે અને મોડી સાંજે અથવા અંધકારમાં ખુલ્લામાં ફરવું નહીં.
-ખાસ કરીને રાત્રે, વહેલી સવારે કે મોડી સાંજ દરમ્યાન બાળકોને એકલા રમવા મોકલો નહીં.
-રાત્રે ઝાડી વિસ્તાર અથવા નિર્જન વિસ્તારમાં એકલા ન જવું. અવરજવર દરમ્યાન ટોર્ચ અને લાકડી સાથે રાખવી
-વન્યપ્રાણીઓને સંબધિત કોઇ પણ પ્રશ્ર કે મુશ્કેલી હોય અથવા માહીતી મળે તો તુરંત ૧૯૨૬ અથવા ૭૬૦૦૦૦૯૮૪૫ પર વનવિભાગને જાણ કરો.