વિજેતા અને રનર્સ-અપ ટીમનું ઇનામ આપી સન્માન કરાયું, ફાઇનલમાં દરેક સિક્સ પર એડવોકેટ રશીદ એમ. ખીરા દ્વારા રૂ.151નું રોકડ ઇનામ અપાયું
જામનગર તાલુકાના લાખાબાવળ ગામે લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા તા. 15 નવેમ્બર, રવિવારના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતનું કૌશલ્ય દર્શાવ્યું હતું.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સુંદર કોમેન્ટ્રી સાથે ખેલાડીઓમાં ખેલદિલી, ભાઈચારો અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ તથા રનર્સ-અપ ટીમને સરપંચ અને ઉપસરપંચના હસ્તે ગ્રામ પંચાયત તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.
ફાઇનલ મેચને વધુ રસપ્રદ બનાવવા માટે એડવોકેટ રશીદ એમ. ખીરા દ્વારા દરેક છગ્ગા પર રૂ.151નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ દરમિયાન કુલ 9 છગ્ગા લાગતાં ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આમ, સમગ્ર ટુર્નામેન્ટ શાંતિપૂર્ણ, આનંદમય અને ભાઈચારાના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ખેલાડીઓ, આયોજકો, કોમેન્ટેટર તથા ગ્રામજનોનો લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.