ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર અને નકલી દારૂના કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી લાલ આંખ કરી છે. SMC દ્વારા નકલી દારૂના આખા નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસના ભાગરૂપે SMCની વિશેષ ટીમે વરતેજ આંબલીવાડી વિસ્તારમાં રહેતા અને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના નિવાસસ્થાને અચાનક દરોડો પાડ્યો હતો. જ્યાં ટીમે સ્થાનિક પોલીસની હાજરીમાં વિધિવત પંચનામાની કામગીરી હાથ ધરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ તપાસનું ચક્ર વધુ ઝડપથી આગળ ધપાવતા SMC દ્વારા માત્ર મુખ્ય સૂત્રધાર જ નહીં, પરંતુ આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા તેના સાગરીતો અને સહ-આરોપીઓ પર પણ સકંજો કસવામાં આવ્યો છે. SMCની અલગ-અલગ ટીમોએ એકસાથે ગૌતમ સોલંકી ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર રઈસ તેમજ અન્ય સહ-આરોપીઓ જતીન અને સારસના રહેણાંક ઠેકાણાઓ પર દરોડા પાડીને પંચનામાની સઘન કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે હાથ ધરવામાં આવેલા આ દરોડાના પગલે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપી ગયા છે.
આ પંચનામાની કામગીરી અને સ્થળ તપાસ દરમિયાન SMCને મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. આરોપીઓના ઘરો અને ગુપ્ત ઠેકાણાઓ પરથી નકલી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રી, બોટલો, કેમિકલ તેમજ અન્ય ગેરકાયદેસર મુદ્દામાલ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યો છે. આ નકલી દારૂ ક્યાં મોકલવામાં આવતો હતો અને આ સિન્ડિકેટમાં અન્ય કયા મોટા માથાંઓ સામેલ છે તે દિશામાં પણ હવે કાનૂની તપાસ તેજ કરવામાં આવી છે.
SMCના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં નકલી અને ગેરકાયદેસર દારૂના કારોબારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. SMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા મુદ્દામાલ અને દસ્તાવેજો આધારે તપાસનો દૌર વધુ લંબાવવામાં આવશે અને આ કૌભાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ આવું દુસાહસ ન કરે.