જામનગરના લાખોટા તળાવમાં ૧૧ કાચબાના મોતનું કારણ રહસ્ય રહેશે, જવાબદાર કોણ..?
જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ૧૧ કાચબાના મોતનું કારણ રહસ્ય રહેેશે તો આ માટે જવાબદાર કોણ તે સળગતો સવાલ ઉઠયો છે. પાણીમાં ઓકસીજનનું પ્રમાણ બરોબર, કોઇ પ્રદૂષણના કારણે મોત ન થયાનો સંબધિત વિભાગનો રિપોર્ટ આવ્યો છે. પરંતુ જામ્યુકોની ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે, વનવિભાગને સમયસર જાણ ન કરતા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ન થઇ શકે તેવી હાલત થતાં મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકશે નહીં. કાચબા શેડયુઅલ-૧માં આવે છે એટલે કે તેને ઘરમાં રાખવો ગુનો બને છે. બીજી બાજુ જળચર જીવોના મૃત્યુના ગંભીર કીસ્સામાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓનું મૌન પણ અકળવાનારૂ અને ટીકાપાત્ર બન્યું છે.
જામનગરના શાન સમાન લાખોટા તળાવના ગેઇટ નં.૫ સામે મ્યુઝીયમ જવાના દરવાજાની બાજુમાં તળાવની અંદર ગત તા.૧૭ ઓગષ્ટના ૧૧ કાચબા અને મોટી સંખ્યામાં માછલાના મૃત્યુ થતાં ભારે દેકારા સાથે ચકચાર જાગી હતી. બનાવના પગલે મહાનગરપાલીકાના અધિકારીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જીપીસીબી દ્વારા પાણીના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આ ઘટનાના પગલે વનવિભાગની ટીમ પણ દોડી ગઇ હતી. પરંતુ તળાવમાં મૃત્યુ પામેલા ૧૧ કાચબાના મૃત્યુનું રહસ્ય કાયમી રહસ્ય જ રહેશે. કારણ કે, ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યાનુસાર પાણીમાં કોઇ પ્રદૂષણ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. આથી કાચબાના મૃત્યુ કોઇ પ્રદૂષણના કારણે થયા નથી. બીજી બાજુ તળાવના પાણીમાં ઓકસીજન લેવલ પણ બરોબર હોવાનો રિપોર્ટ આવ્યો છે. પરંતુ ખાસ બાબત એ છે કે, તળાવમાં ૧૧ કાચબાના મૃત્યુ થયા હોવા છતાં મહાનગરપાલીકાએ સમયસર આ બનાવની જાણ વનવિભાગને કરી ન હતી. આથી જયારે સ્થળ પર વનવિભાગની ટીમ પહોંચી ત્યારે કાચબાના મૃતદેહો ફુલાઇ ગયા હોવાથી આ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ન થઇ શકે તેવી હાલત હતી. આથી વનવિભાગની ટીમે આ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ શકય નથી તેવો રિપોર્ટ આપી હવે પછી આ પ્રકારની ઘટના બને તો જાણ કરવા જણાવ્યું હતું. આથી કાચબાના મૃતદેહનું પીએમ ન થતાં મૃત્યુનું કારણ કાયમી અકબંધ રહેશે તો આ માટે જવાબદાર કોણ તે સળગતો સવાલ ઉઠયો છે.
જો મહાનગરપાલીકાએ કાચબાના મૃત્યુની સમયસર જાણ કરી હોત તો મૃતદેહોનું પીએમ થઇ શકયું હોત અને મૃત્યુનુું સાચું કારણ જાણી શકાયું હોત. પરંતુ મનપાની ઘોર બેદરકારીના કારણે કાચબાના મૃત્યુ થયા હોય તેમ સમગ્ર ઘટનાક્રમ પરથી ફલીત થઇ રહ્યું છે. બીજી બાજુ જળચર જીવોના મૃત્યુના કીસ્સાઓમાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓનું મૌન ભારે અકળાવનારું અને ટીકાસ્પદ બન્યું છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ તળાવમાં માછલાના મોતના કીસ્સા બની ચૂકયા છે. આમ તળાવમાં જળચર જીવોના મૃત્યુના કિસ્સા બાદ પણ મહાનગરપાલીકા કોઇ બોધપાઠ ન લેતી હોય તેવી સ્થિતિથી જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.