દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પોલીસ અધિકારીની મનમાની સામે કોર્ટ અને માનવ અધિકાર આયોગની લાલ આંખ
ભગવાનના દ્વારે ભક્ત પર સત્તાનો વિવાદ
૧૧ વર્ષની દિવ્યાંગ બાળકીને માતા-પિતાથી ૭ કલાક અલગ રખાયું
જે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જગતનો નાથ બિરાજમાન છે, ત્યાં જ માનવતાને લજવતી અને સભ્ય સમાજ માટે કલંક સમાન એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ દ્વારકાધીશના દર્શનાર્થે આવેલા એક શિક્ષિત પરિવાર અને તેમની ખાસ જરૂરિયાત ધરાવતી (દિવ્યાંગ) માસૂમ બાળકી સાથે મંદિરના વહીવટદાર અને સ્થાનિક પોલીસે કરેલું ક્રૂર વર્તન કાળજું કંપાવી દે તેવું છે. કાળઝાળ ગરમીમાં દર્શન દરમિયાન મેડિકલ ઓફિસર એવા ડો. વિવેકભાઈ શુક્લાના પત્નીની તબિયત બગડતાં, એક પતિ અને પિતા તરીકે તેઓ પરિવાર સાથે છાયામાં ઊભા રહ્યા હતા. ભગવાનના દ્વારેથી સેવાની આશા રાખતા આ શ્રદ્ધાળુ પરિવારને સુરક્ષાકર્મીઓના તિરસ્કાર અને તોછડા વર્તનનો સામનો કરવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુભાઈ ચૌહાણે પરિસ્થિતિને સંવેદનશીલતાથી સંભાળવાને બદલે સત્તાના જોરે પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ કે. કોઠીયાને બોલાવી આ નિર્દોષ પરિવારને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરાવી દીધો હતો.
કાયદાના રક્ષક મટીને ભક્ષક બનેલા પી.આઈ. વી.કે. કોઠીયાએ એક ડોક્ટર સાથે રીતસરના ગુનેગાર જેવું વર્તન કરી, તેમને માનસિક અને શારીરિક રીતે તોડી પાડવા માટે ભારે ટોર્ચર કર્યા હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ વ્યથિત કરનારી અને પથ્થર દિલ રાખનારી બાબત એ રહી કે, ૧૧ વર્ષની એ માસૂમ બાળકી જે ક્ષણભર પણ પોતાના માતા-પિતા વિના રહી શકતી નથી, તેને બપોરે બે વાગ્યાથી લઈને રાત્રે ૯ વાગ્યા સુધીએટલે કે સતત સાત કલાક સુધીમાતા-પિતાથી બળજબરીપૂર્વક અલગ રાખવામાં આવી હતી. અસહાય બાળકીની આજીજી અને લાચાર માતા-પિતાના આક્રંદ સામે પણ પોલીસનું દિલ પીગળ્યું નહોતું અને કાયદાના નામે માસૂમિયતને કચડી નાખવામાં આવી હતી.
આ ગંભીર માનવ અધિકાર ભંગના મામલે દ્વારકાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અત્યંત કડક વલણ અપનાવીને આ ઘટનાને અત્યંત દુ:ખદ અને અમાનવીય ગણાવી છે. કોર્ટે આ કેસમાં પોલીસ તપાસ સોંપવાને બદલે સીધો જ હસ્તક્ષેપ કર્યો છે. મેજિસ્ટ્રેટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે કે જેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપો છે તે દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને મંદિરના વહીવટદાર પોતે સત્તા અને કમાન્ડ ધરાવે છે, તેમજ જગત મંદિર અને પોલીસ સ્ટેશનના પરિસર સીધા આ આરોપીઓના નિયંત્રણ હેઠળ છે. આવી સ્થિતિમાં જો પોલીસને જ તપાસ સોંપાય તો તે તટસ્થ અને નિષ્પક્ષ રહેવાની શક્યતા નહિવત છે. આથી પુરાવાઓ સાથે છેડછાડ થવાની ભીતિને ધ્યાને રાખીને કોર્ટે પોતે જ તપાસનો હુકમ કર્યો છે અને સત્ય બહાર લાવવા માટે મંદિર તથા પોલીસ સ્ટેશનના સીસી ફૂટેજ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વિના તેને તુરંત સુરક્ષિત કરી કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત માનવ અધિકાર પંચના અઘ્યક્ષ ડો. કે.જે. ઠાકર દ્વારા આ મુદ્દે ડો. વિવેક શુકલ તથા ડો. શ્રીલેખા શુકલની ફરિયાદ તથા માનવ અધિકાર ભંગ થયો હોય જેને તા. ૧૧/૦૬/ર૦ર૬ ના સુનાવણી રાખવામાં આવી છે, જેમાં દ્વારકા એસપી તથા જિલ્લા કલેકટરને વિડીયો કોન્ફરન્સથી જોડાવવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ માનવ અધિકાર આયોગને મંદિરના અધિકારીઓ દર્શનાર્થીઓને વારંવાર હેરાન-પરેશાન કરતા હોવાની અગાઉ પણ ફરિયાદ મળેલ હોય જેને ઘ્યાને રાખી મંદિર વહીવટદારે પણ ઉપસ્થિત રહી જવાબ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા પણ આ મામલે અત્યંત આકરંત વલણ દાખવવામાં આવ્યું છે. આયોગે પોતાના આદેશમાં ગંભીર નોંધ લેતા જણાવ્યું છે કે દ્વારકાધીશ મંદિરમાંથી આવી અમાનવીય ઘટનાઓ વારંવાર સાંભળવા મળે છે. માનવ અધિકાર આયોગે આ મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મંદિરના વહીવટદાર હિમાંશુભાઈ ચૌહાણ,પીઆઇ વી.કે. કોઠીયા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓને રૂબરૂ હાજર રહીને ખુલાસો કરવાનો કડક આદેશ કર્યો છે. આ કેસ માત્ર એક ડોક્ટરના પરિવારનો નથી, પરંતુ દ્વારકાધીશના ચરણોમાં આશા અને શ્રદ્ધા સાથે આવતા દેશભરના લાખો શ્રદ્ધાળુઓની ગરિમાનો છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે સત્તાના નશામાં ચૂર થઈને પવિત્ર ધામને કલંકિત કરનારા આ ઉચ્ચ અધિકારીઓ સામે કેવા આકરા પગલાં લેવાય છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે.