કલ્યાણપુર-દ્વારકા તાલુકામાં જળસંકટ ઘેરુ બન્યું
ધારાસભ્ય પબુભા દ્વારા મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન કરાઇ રજુઆત
ખેડુતો-પશુપાલકોમાં ચિંતા: મોટા ભાગના જળાશયો ખાલીખમ: સાની ડેમ ભરવા પર મુકયો ભાર
દેવભૂમિ દ્વારકામાં ઓછા વરસાદને કારણે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે હાલ સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે, હાલ જ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી જેમાં ખાસ કરીને જિલ્લાનાં પાણીના પ્રશ્ર્નો ઉપર વાતચીત થઇ હતી અને રજુઆત કરી હતી કે જિલ્લામાં કલ્યાણપુર, દ્વારકા, સલાયા, ભાણવડ, ખંભાળીયા, ઓખા, મીઠાપુર સહિતના અનેક ગામડાઓમાં પીવાના પાણી સહિત ખેતી માટે પાણી અને પશુપાલકો માટે ઘાસચારાની તંગી વિકટ બની છે, તેને ઘ્યાને રાખી સરકાર દ્વારા પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેમ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં ધારાસભ્યે જણાવ્યું હતું.
ધારાસભ્યે રજુઆતમાં જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે પુરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા એમ બન્ને તાલુકાના ૧૧૪ ગામો (દ્વારકાના ૪૨, કલ્યાણપુરના ૭૨) ગામોને જળસંકટ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જિલ્લાનાં નાના મોટા ૧૫ જેટલા ડેમોમાં માત્ર એકથી બે ટકા જેટલો જ પાણીનો જથ્થો રહ્યો છે, પાણીની આ વિકટ પરિસ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ચિંતા વધી છે, તો ખેડુત અને પશુપાલકો માટે પોતાનુ પશુધન બચાવવા હાલના તબક્કે મુશ્કેલ બની ગયું છે.
કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ગામડાઓમાં પાણીની અછતને લઇને ખેડુતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે, સ્થાનિક ખેડુતો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેમની પાસે હાલ માત્ર ૧૫ દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો રહ્યો છે. સાની ડેમ પણ ખાલીખમ છે, જો આ ડેમમાં પાણી ભરવામાં આવે તો બન્ને તાલુકાની પ્રજાને પીવાના પાણીમાં ભારે રાહત મળી શકે તેમ છે. જેથી સાની ડેમ તાત્કાલિક ભરી આપવા ખાસ ભાર આપેલ છે. તેમજ પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ અતિ ગંભીર બની છે, અહીં જો સમયસર પાણીની વ્યવસ્થા નહિં થાય તો પશુઓને અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે.
કલ્યાણપુર-દ્વારકા બન્ને તાલુકાનાં લોકો તેમજ પશુઓ તેમજ ખેડુતોને સિંચાઇ માટે પાણીની હાલ ખુબ જ જરૂર છે જેથી બન્ને તાલુકાના લોકોને હાલ પુરતી રાહત મળી રહે તે મુજબ સિંચાઇ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક અસરથી પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીની જરૂરિયાતને સર્વોચ્ચ-પ્રાથમિકતા આપવામાં આવે અને પીવાના પાણીની તંગી દુર થાય ત્યારબાદ સરકારની ધારાધોરણ પ્રમાણે સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે વહેલાસર ઓખા-કલ્યાણપુરના જીવાદોરી સમાન સાની ડેમમાં પાણી વહેલી તકે ઠાલવવામાં આવે જેથી લોકોને પાણીની સમસ્યાથી છૂટકારો મળે.
વધુમાં ધારાસભ્ય પબુભાએ જણાવ્યું હતું કે હાલમાં પાણી અને ઘાસચારાના અભાવે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા આ વિસ્તારને ઘ્યાનમાં રાખી આપના દ્વારા તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે જેથી બન્ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જળસંકટમાંથી ઉગારી શકાય.પબુભાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે આ પહેલા પણ ઓછા વરસાદને લીધે લોકોને પીવાના પાણીની તકલીફ સર્જાયેલી હતી ત્યારે મારી વાડીએથી પાણીના ટેન્કરો ભરી અને ૨૪ કલાક લોકોને પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. અને જરૂર જણાય તો આ વર્ષે પણ મારી તૈયારી અત્યારથી જ ચાલુ છે જેથી લોકો પાણી વગર ન રહે.