જામનગરની વાસાવીરા સોસાયટીમાં ૨૨ લાખના મુદામાલની ચોરી
ક્નસ્ટ્રક્શનના ધંધાર્થીના મકાનનું તાળું તોડી તસ્કરો ૨૨ તોલા દાગીના અને રોકડ લઇ ગયા : પોલીસ તપાસનો ધમધમાટ
જામનગર શહેરની વાસાવીરા સોસાયટી વિસ્તારમાં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ક્નસ્ટ્રક્શનના ધંધાર્થીના મકાનને નિશાન બનાવી ૨૨,૦૪,૪૦૦ની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટ તથા તેનાં ખાનાંના લોક તોડી સોનાના દાગીના, રોકડ રકમ અને મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની વિગતો સામે આવતા પોલીસ દ્વારા આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ કાર્યવાહી આગળ ધપાવી છે.
જામનગર શહેરમાં આવેલ વાસાવીરા સોસાયટી, શેરી નંબર-૩માં આવેલા માધવ પેલેસ એપાર્ટમેન્ટ-૨ના રૂમ નંબર-૨૦૧માં રહેતા મુળ વિંજલપર ગામના વતની, પ્રા. સર્વેયર તેમજ ક્નસ્ટ્રક્શનના ધંધાર્થી વિશાલ મસરીભાઈ છુછર (ઉ.વ. ૨૫)એ સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ તા. ૧૯ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦થી સાંજે ૭:૩૦ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રહેણાક રૂમમાં આવેલા કબાટનું લોક તથા ખાનાંના લોક તોડી તેમાં રાખેલા આશરે ૨૨ તોલા ઉપરાંત ૮૫ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત રૂ. ૨૧,૭૬,૯૦૦ થાય છે, તેમજ રૂ. ૨૫,૦૦૦ રોકડ અને રૂ. ૨,૫૦૦ની કિંમતનું એક નકલી મંગળસૂત્ર મળી કુલ રૂ. ૨૨,૦૪,૪૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
આ બનાવ અંગે વિશાલભાઈની ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીટી-સી પીઆઇ એચ.વી. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરીને આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે, માતબર ચોરીના બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે.