BREAKING NEWS

ખેડૂતના ભોળપણનો લાભ ઉઠાવી બોગસ પેઢી બનાવી કરોડોના વ્યવહાર કરી નાંખ્યા

  • January 12, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કુતીયાણાના ખેડૂતને વાતોમા ભોળવી તેમના નામે પેઢી બનાવી ઉપલેટાના મૂરખડા ગામની બેલડીએ આ પેઢીમાં ખેડૂતની જાણ બહાર કરોડાના વ્યવહાર કરી નાંખ્યો હતો. જે અંગે જીએસટી તફરથી નોટિસ મળતા ખેડૂતને જાણ થઇ હતી. બાદમાં તેણે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કુતીયાણામાં રહેતા વેપારી મરૂભાઇ માલદેભાઇ ભુતીયા(ઉ.વ. ૫૧) દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદિપ વેલજીભાઇ ગોહેલ, નિકુંજ વેલજીભાઇ ગોહેલ(રહે.બંને મુરખડા) અને નીખીલ વેકરીયાના નામ આપ્યા છે.

ફરીયદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામની સાથે કુતીયાણામા જય વચ્છરાજ ટ્રેડીંગ નામે પોરબંદર રોડ દેવડા નાકા પાસે આવેલ પેઢીમાં મગફળી તથા ઘઉં વગેરેની છૂટક દલાલી કરતાં હતા. જે પેઢીને જી.એસ.ટી. વિભાગ તરફથી નોટીશ આવતા આ પેઢી બંધ કરી દિધેલ છે.

વર્ષ ૨૦૧૮ થી તેઓ છુટક ખેતીપાકની દલાલી કરતાં હતા તે વખતે વર્ષ ૨૦૧૯ માં પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ મુરખડાવાળા જયદીપ ગોહેલ પરીચયમા આવેલ અને ત્યારબાદ ખેડુતો પાસેથી માલ ખરીદી કરી તેને માલ સપ્લાય કરતો હતો. આમ તેની સાથે વ્યપારીક સંબંધ થયેલ હતા. દરમિયાન આ જયદીપે જણાવેલ કે, તમે પેઢી ખોલી ધંધો ચાલુ કરો તો તમને વધારે ફાયદો થશે, જેથી તેઓને કહેલ કે, મને તેમા કાઈ ખબર ન પડે, મારે હિસાબ કિતાબ કઇ રીતે રાખવા અને જીએસટી કઈ રીતે ભરવી આ અંગે મને કાઈ આવડતું નથી, તો તેને કહેલ કે, હું તમને પેઢી બનાવી તમામ સરકારી પ્રોસીજર કરી આપુ, તમામ રીતે તમારી પેઢી હું એજન્ટ તરીકે ચલાવી આપીશ આમ કહેતા તેના પર વિશ્વાસ કરી પેઢી ખોલવાની હા પાડતા તેમના ડોકયુમેન્ટ પરથી જય વચ્છરાજ પેઢી બનાવી આપેલ અને તે પેઢીના જીએસટી લાયસન્સ પણ લઈ આપી જણાવેલ કે, જીએસટીને લગત કાઇ પણ કામ હોય તો ડાયરેકટ મેતાજી કરી નાખશે તમારે કાઈ ઉપાદી નહી રહે એમ જણાવી જીએસટી એકાઉન્ટમા તેના મેતાજી નીખીલ વેકરીયાના ના મોબાઈલ નંબર લખાવેલ હતા.

આ પેઢીનુ ઉપલેટા બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી આરોપીએ કહેલ કે, આપણે બેન્ક દ્રારા કાઇ પણ વ્યવહાર કરવાનો હોય તો હું અહી ઉપલેટા જ હોય જેથી તાત્કાલીક હું વ્યવહાર કરી શકુ. માટે આ એકાઉન્ટમાં પોતાનું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર ફોર્મમા ભરાવેલ હતા. જેથી જયદીપ ગોહેલ તથા તેના મેતાજી નિખીલ વેકરીયા દ્રારા અગાઉથી જ છેતરપીંડી કરવાનુ કાવત્રુ રચેલ હતુ. ફરીયાદીને ચેક બુક આવતા જયદીપ ગોહેલે કહેલ કે, આપણે કયારેય ચેક દેવાનો થાય તો તમારે અહીં ધક્કા ખાવા પડે જેથી તમે તમારી આ ચેક બુકમા સહી કરી મને આપી દો.

જે બાદ જીએસટી કચેરી પોરબંદર તરફથી આ જય વચ્છરાજ પેઢી દ્રારા વાઘેલા એન્ટરપ્રાઇઝ, હીર એન્ટરપ્રાઈઝ તથા પ્રિયા એન્ટરપ્રાઇઝ સાથે ખોટી સપ્લાય તથા ખરીદી દર્શાવેલ હોય જે અંગે વ્યાજ પેનલ્ટી અને અન્ય રકમ ભેગી રૂ. ૧૬ લાખ ટેક્ષ ભરવાની નોટીશ મળેલ હતી. જેથી આ અંગે જયદીપ વેલજીભાઇ ગોહેલને વાત કરતા જણાવેલ કે, આ બીલીંગ મે બનાવેલ છે અને તેના પૈસા હુ ભરી દઈશ તમે મારા મેતાજી સાથે જીએસટી કચેરી ખાતે જઈ ટેક્ષ ભરવા માટે ૧૦ દિવસનો સમય લઇ આવો તે ટેક્ષ હુ ભરી દઇશ. જેથી ૧૦ દિવસનો સમય લીધેલ હતો.

દશેક દિવસ બાદ આ જયદીપ ગોહેલને ટેક્ષ ભરવાનુ કહેતા કહેલ કે, મારા પૈસા તમારી પાસેથી નિકળે છે, જેથી તમે ટેક્ષ ભરી દો મારે કાઇ લેવા દેવા નથી દશેક દિવસ બાદ તેની પાસે કોરા ચેકમા સહી કરેલ ચેક બુક હોય તેમાંથી તેને રૂ.૩૫,૮૦, ૮૬૬ નો ચેક તેના બેંક એકાઉન્ટમાં નાખી ચેક રીટર્ન કરાવી ઉપલેટા કોર્ટમા ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરી હતી.

ફરિયાદીએ આરોપીને આપેલા ચેકનો દુરઉપયોગ તેમની જાણ બહાર બોગસ પેઢીઓ સાથે વ્યવહાર કરી આર.ટી.જી.એસ.ની સ્લીપોમા ખોટી સહીઓ કરી તે સ્લીપોનો ખરા તરીકે ઉપયોગ કરી જય વચ્છરાજ ટ્રેડીંગમા પોતાની પુષ્કર ઇન્ડસ્ટ્રીઝમાંથી રકમ જમા કરી તે રકમ આ ઉપાડી લઈ બોગસ પેઢીઓ સાથે ખોટી સપ્લાય તથા ખરીદી દર્શાવીને છેતરપીંડી કરતાં ખેડૂતે આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application