BREAKING NEWS

દ્વારકા: આરંભડામાં વૃઘ્ધની હત્યામાં ત્રણ શખ્સોની અટકાયત

  • July 15, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: આરંભડામાં વૃઘ્ધની હત્યામાં ત્રણ શખ્સોની અટકાયત

છૂટાછેડાની અદાવતમાં પૂર્વ જમાઈએ સસરાની કરપીણ હત્યા કરી હોવાનો આરોપ

ઓખામંડળના મીઠાપુર નજીક આવેલા આરંભડા ગામમાં છૂટાછેડાની અદાવતને પગલે એક માછીમારની કરપીણ હત્યા થયાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. પ્રાથમિક પોલીસ તપાસ મુજબ મૃતકના પૂર્વ જમાઈએ પોતાના વેવાઈ અને મિત્ર સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આરંભડા ગામના રહેવાસી અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા રવિવાર, ૧૨ જુલાઈની રાત્રે માછીમારી માટે દરિયાકાંઠે ગયા હતા. જોકે તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને બાદમાં સ્થાનિક પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ કરાવી હતી. તપાસ દરમિયાન ગોવિંદભાઈની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
​​​​​​​

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતકની મોટી પુત્રીના લગ્ન અગાઉ આરંભડા વિસ્તારના જય વિજયભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પારિવારિક મતભેદોને કારણે સમાજના રિવાજ મુજબ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. આ ઘટનાનો ખાર રાખીને આરોપી જયે અગાઉ પણ પોતાના પૂર્વ સસરાને ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

મૃતકના ભાઈ અરવિંદભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પૂર્વ જમાઈ જય પરમાર, તેના વેવાઈ રમેશ લખમણભાઈ પરમાર તથા મિત્ર રામા ભીખુભાઈ વાઘેલાએ મળીને ગોવિંદભાઈનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેમને અટકાવી મારપીટ કરી અને ગળું દબાવી તેમની હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવાના ઇરાદે દરિયાકિનારે રેતીમાં મૃતદેહ દાટી દીધો હતો.

ઘટનાની જાણ થતાં દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને ઉપલબ્ધ માહિતી મુજબ ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

આ કરૂણ બનાવે આરંભડા સહિત સમગ્ર ઓખામંડળ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી છે. પોલીસ દ્વારા હત્યાના ચોક્કસ કારણો, ઘટનાક્રમ અને અન્ય તમામ પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application