↵
જામનગર: લતીપર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના માધ્યમથી આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સ્વચ્છ સમાજના નિર્માણ માટે રાજ્યપાલે કર્યુ સફાઈ અભિયાનનું નેતૃત્વ
સમગ્ર લતીપર ગામ આ જનજાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બન્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાનને વેગ આપતા રાજ્યપાલે લતીપર ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાવુક અનુરોધ કરતા જણાવ્યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, પરંતુ તેને રોપ્યા બાદ સંભાળના અભાવે સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ તેના ઉછેર માટે નિયમિત સારસંભાળ કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.
રાજ્યપાલે ગ્રામજનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વૃક્ષને માત્ર ત્રણ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશે. ભોજન અને પાણી વગર થોડો સમય રહી શકાય છે, પરંતુ ઓક્સિજન વગર ક્ષણભર પણ જીવન ટકતું નથી. આ સાથે જ તેમણે સૌને પ્રકૃતિના રક્ષક બનીને વૃક્ષ જેવા જ ગુણ કેળવવા આહવાન કર્યું હતું.
પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો સંદેશ આપતા રાજ્યપાલે ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ પકડી લતીપર ખાતે સફાઈ કરી ગ્રામજનો સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે તેમણે ગામની સાફ-સફાઈ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સ્વચ્છતા કર્મીઓનું વિશેષ સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજનું નિર્માણ થઈ શકશે.
આ પ્રસંગેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની, ધ્રોલ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, મદદનીશ વન સંરક્ષક દીપકસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.