હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ બે બાળકના મોત
કલ્યાણપુર અને લાંબા ગામના બંને બાળકોએ જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો, એકનો રિપોર્ટ નેગેટીવ, અન્યનો બાકી
વસઇ-આમરા અને દ્વારકાના બે બાળકોની હાલત હજુ ગંભીર:જામનગરના ૧૧ મહીનાના બાળકનીં તબિયતમાં નોંધપાત્ર સુધારો
હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ બે બાળકોના મોત નિપજયા છે. કલ્યાણપુર અને લાંબા ગામના બંને બાળકોએ જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઇકાલે દમ તોડયો હતો. મૃત્યુ પામનાર એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, જયારે અન્ય બાળકનો રિપોર્ટ બાકી છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વસઇ-આમરા અને દ્વારકાના બે બાળકની હાલત હજુ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. જામનગરના ૧૧ મહીનાના બાળકની તબિયતમાં નોેંધપાત્ર સુધારો હોવાનું તબીબોએ ઉમેર્યું છે.
રાજયના અન્ય જિલ્લાની સાથે હાલારના બંને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં વધારો થયો છે.સૌ પ્રથમ જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલા રવિપાર્ક અને ગણપતનગરમાં બે બાળકોને ભારે તાવ, આંચકીના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. ત્યારબાદ દ્વારકામાં રહેતા ૬ વર્ષના તથા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બાળકનેે પણ ચાંદીપુરા જેવા લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન શહેરના રવિપાર્કમાં રહેતી ૨ વર્ષની બાળકીનું રિપોર્ટ આવે તે પૂર્વે મૃત્યુ નિપજયું હતું. જયારે સારવારમાં રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા મળી ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. પરંતુ ગઇકાલે જામનગર તાલુકાના વસઇ-આમરા ગામના એક ૨ વર્ષના બાળકને તથા કલ્યાણપુરાના ૯ મહીનાના બાળકને તાવ, આંચકી સહીત ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન લાંબા ગામના ૨ વર્ષના બાળક અને કલ્યાણપુરના ૯ મહીનાના બાળકનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા લાંબા ગામના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે મૃત્યુ પામેલા કલ્યાણપુરના ૯ મહીનાના બાળકનો રિપોર્ટ હજુ બાકી છે. જી.જી.હોસ્પિટલના ગઇકાલે સારવાર અર્થે આવેલા વસઇ-આમરાના બાળકના લોહીના સીરમ સહીતના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. હાલમાં જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે આવેલા કેસનો આંકડો ૬ પર પહોંચ્યો છે. જેમાંથી ૪ બાળકના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને બે બાળકોના રિપોર્ટ બાકી છે. હાલમાં જી.જી.હોસ્પિટલમાં ૩ બાળક સારવાર હેઠળ છે. જેમાંથી વસઇ-આમરાના ૨ વર્ષના બાળક તથા દ્વારકાની ૬ વર્ષની બાળકીનો સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે. જયારે જામનગર દિગ્જામ સર્કલ પાસે રહેતા ૧૧ મહીનાના બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયાનું તબીબોએ ઉમેર્યું છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
સેન્ડફલાય માખીને ભેજવાળું વાતાવરણ અનૂકૂળ હોય ચોમાસમાં ચાંદીપુરાના કેસ:
ભેજવાળા વાતાવરણ દરમ્યાન ગરમ અને ભેજવાળી હવાના કારણે એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના કેસો નોંધાય છે. એપિડેમીયલોજીકલ તપાસ તથા અભ્યાસના આધારે ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડફલાય માખીને આ વાતાવરણ અનૂકૂળ હોય ચોમાસામાં ઉત્પતિ વધુ પ્રમાણમાં થતી હોય કેસ વધારે નોંધાય છે. આથી ચાંદીપુરાનો રોગ ન ફેલાય તે માટે જૂના કાચા તથા પાકા મકાનોની દીવાલોમાં રહેલી તીરાડો, દીવાલમાં છીદ્વો અને ઉખડેલા પ્લાસ્ટરનું સર્વેક્ષણ કરી તેને બુરી દેવી.રહેણાંક મકાનો,ગૌશાળા તથા આસપાસના ભેજવાળા અને અંધારાના સ્થળોની નિયમિત સફાઇ તથા જાળવણી કરવી.તદઉપરાંત કચરો અને ગંદકી પણ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.