જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ પુનમબેન માડમ, મેયર મોનીકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા રેલી યોજાઇ
રેલી પૂર્ણ થયા બાદ લાખોટા તળાવ ખાતે વડાપ્રધાનના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત એકતા રેલીમાં સાંસદ પુનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોએ રણજીતનગર પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મહાનુભાવોએ ફ્લેગઓફ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી રણજીતનગર સરદાર પટેલ પ્રતિમાથી પ્રસ્થાન થઈ રૂપિયાના સિક્કા સર્કલ, લીલાશાહ ધર્મશાળા રોડ, ભગવતી હોસ્પિટલ, શ્યામજીકૃષ્ણ વર્મા પાસે થઈ લાખોટા તળાવ ગેટ નં.૧ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આજે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, પરેડ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન અને વડાપ્રધાન દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ લખોટા તળાવના ગેટ નં.૧ ખાતે યોજવામાં આવ્યું હતું.ત્યારબાદ મહાનુભાવોના હસ્તે જામનગરના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
એકતા રેલી અને એકતા પરેડના જીવંત પ્રસારણના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, અગ્રણી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, આગેવાનો, એનસીસી કેડેટસ, ૮ ગુજરાત નવલ યુનિટ, ૨૭ ગુજરાત બટાલિયન, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ સહિત જામનગરવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.