જામનગરમાં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ભડકો: ગૃહીણીઓ પરેશાન
કોથમરી રૂ.૩૦૦, આદુ રૂ.૨૦૦, ગુવાર રૂ.૧૮૦, પરવળ રૂ. ૧૫૦, લસણ ૧૯૦ના કિલોના ભાવે મળતુ હોય, તમામ શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો: લીંબુ અને ભીંડો ૧૦૦ને પાર
જામનગર શહેરમાં ચોમાસુ શરૂ થતા જ બહારગામથી શાકની આવક ઓછી થઇ ગઇ છે જેના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. કોથમરીના કિલોના રૂ.૩૦૦ અને આદુના રૂ.૨૦૦ના ભાવો બોલાઇ રહ્યા છે. અન્ય શાકોમાં ગુવાર અને પરવળના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લસણ અને ડુંગળીના ભાવમાં સારો વધારો થયો છે ત્યારે શાકબજારમા ભાવ ભડકે બળે છે. રવિવારે જામનગરની શાકમાર્કેટમાં આ ઝડપી તેજી જોવા મળી હતી.
આમ તો દર વખતે ચોમાસામાં શાકના ભાવોમાં ચોકકસપણે વધારો થાય છે. કોથમીરના ભાવ તો ચાર પાંચ દિવસથી વધતા જાય છે. રૂ.૨૦માં સાવ નાનુ પુળ્યુ મળે છે. પહેલા રૂ.૧૦ માં આવતી કોથમરી બંધ થઇ ગઇ છે.
કોથમરીની સાથે મેથીનું પુળ્યુ ૨૦ થી ૩૦ માં મળી રહ્યું છે, જયારે તાંજરીયાની ભાજીના ભાવ પણ ૨૦ સુધી પહોંચી ગયા છે. લીલી ડુંગળીના ભાવ આસમાને થયા છે બજારમાં રૂ. ૧૨૦ થી ૧૩૦ના ભાવે અને સુકી ડુંગળી પણ રૂ.૪૦ના ભાવે મળી રહી છે.
લીંબુની ખટાશ પણ ધીરે ધીરે વધતી જાય છે, કિલોના રૂ.૮૦થી ૧૦૦ બોલાઇ રહ્યા છે. મરચાના ભાવમાં રપ ટકાનો વધારો થયો છે. રૂ.૧૦૦થી ૧૧૦ સુધીમાં મરચા મળી રહ્યા છે. ટમેટામાં થોડી રાહત છે, રૂ.૪૦ થી ૫૦માં કિલો લેખે મળે છે. જયારે ફલાવર રૂ.૮૦ અને કોબી ૬૦ થી ૭૦માં કિલો મળે છે. લીલી તુવેરના ભાવમાં ૧૫ થી ૧૮ ટકા જેટલો વધારો થયો છે. તુવેર પણ ૭૫ના ભાવે મળે છે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુવાર અને ભીંડાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ગઇકાલે ગુવારના ભાવ રૂ.૧૮૦થી ૧૯૦ બોલાયા હતા જયારે આદુ એ બેવડી સદી ફટકારી ૨૦૦ થી ૨૧૦માં કિલો મળે છે. ફલાવર પણ રૂ.૧૦૦ નજીક પહોંચ્યુ છે. જયારે ચોળાના ભાવ રૂ.૧૨૦ થી ૧૩૦ જોવા મળેછે. ગાજર ૧૨૦, પ્લમ્સ રૂ.૧૨૦ ખારેક ૮૦ થી ૧૦૦, બજારમાં મળે છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શકયતા છે. વરસાદને કારણે ગામડામાંથી શાકની આવક ઓછી થાય છે. કેટલુક શાક વરસાદને કારણે પલળી ગયુ હોવાથી બગડી જાય છે.
ખંભાળીયા, તથા આજુબાજુના ગામડા તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ જામનગરમાં શાકભાજી આવે છે. વેપારીઓના કહેવા મુજબ ઉપર ભારે વરસાદને કારણે શાકની આવક ઓછી થઇ છે. અને દર ચોમાસાની જેમ ત્રણ ચાર દિવસમાં જ શાકભાજીના ભાવમાં રપ થી ૩૦ ટકાનો વધારો જોવા મળે છે. શાક માર્કેટમાં અળવીના પાન રૂ.૨૫ના દસ લેખે મળી રહ્યા છે જો કે આ સીઝનમાં આ પાન વધુ જોવા મળે છે. દરરોજ શાકનો ઉપયોગ થાય છે કે જે બટેટાના ભાવ રૂ. ૨૫ થી ૩૫ જોવા મળે છે. આમ વરસાદના સમયે શાકભાજી ખરીદવા ગૃહીણીઓ માટે મુશ્કેલી સમાન છે. જે ઘરનુ બજેટ પણ વીખરાઇ ગયું છે.