BREAKING NEWS

જામનગર: જામ્યુકોના કામમાં નહીં ચાલે લોટ-પાણી’ને લાકડા: વીજીલન્સની રહેશે બાજ નજર

  • August 03, 2026 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર: જામ્યુકોના કામમાં નહીં ચાલે લોટ-પાણી’ને લાકડા: વીજીલન્સની રહેશે બાજ નજર


પગલાં: મનપાની કવોલીટી ક્નટ્રોલની ટીમ કોઇપણ પ્રકારની પૂર્વ સૂચના વગર કામના સ્થળની આકસ્મિક મુલાકાત લઇ ટેકનીકલ ચકાસણી કરી શકશે


ક્રોકીંટના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલશે: દર પખવાડીયે કામગીરીના નિરીક્ષણ અને લેબ ટેસ્ટના પરિણામનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.


જામનગરમાં મહાનગરપાલીકા હસ્તકના વિકાસકાર્યોમાં ગુણવતા જળવાઇ રહે તે માટે ખુદ મનપા દ્વારા વીજીલન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ કવોલીટી ક્નટ્રોલની ટીમ કોઇપણ પ્રકારની પૂર્વ સૂચના વગર કામના સ્થળની આકસ્મિક મુલાકાત લઇ ટેકનીકલ ચકાસણી કરી શકશે. આટલું જ નહીં ક્રોકીંટના નમૂના લઇ પૃથ્થકરણ  માટે મોકલશે. આ ટીમને દર પખવાડીયે કામગીરીના નિરીક્ષણ અને લેબ ટેસ્ટના પરિણામનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. મનપા દ્વારા વિકાસલક્ષી કાર્યોમાં ગુણવતા સબબ વીજીલન્સ ટીમની રચનાથી મનપા હસ્તકના જુદા-જુદા કામ કરનાર કોન્ટ્રાકટરો અને એજન્સીઓમાં દોડધામ મચી ગઇ છે.


જામનગર મહાનગરપાલીકા દ્વારા થતાં જુદા-જુદા નાના-મોટા વિકાસકાર્યોમાં છાશવારે ગુણવતાના પ્રશ્ર્નો અને નબળા કામની ફરિયાદો ઉઠે છે. આટલું જ નહીં આ કારણોસર કામગીરી વિવાદના વમળમાં ફસાઇ છે. પરંતુ વિકાસકાર્યોની ગુણવતા અંગે સર્જાતા પ્રશ્ર્નો અને ફરિયાદોના નિરાકરણ માટે મહાનગરપાલીકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાજેતરમાં ખૂબજ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલીકા હસ્તકના પ્રગતિ હેઠળના અને આગામી આયોજન હેઠળ કરવાના થતા તમામ વિકાસલક્ષી કાર્યોમાં ઉચ્ચ ગુણવતા જળવાઇ રહે અને કામગીરીમાં સંપૂર્ણ પારદર્શીતા લાવવાના હેતુસર મનપાના સ્તરે એક સ્વતંત્ર ગુણવતા કોષ(કવોલીટી સેલ)ની રચના કરવામાં આવી છે. આ ટીમ વિભાગની આંતરિક તકેદારી સમિતિ(વીજીલન્સ ટીમ) તરીકે કાર્ય કરશે. કવોલીટી સેલ એટલે કે વીજીલન્સ ટીમમાં મનપાના જુદા-જુદ પેટા વિભાગોમાંથી કુલ ૧૦ અધિકારીઓની નિમણૂંક કરી અલગ અલગ ભૂમિકા નકકી કરવામાં આવી છે. આ ટીમમાં મુખ્ય સંયોજક તરીકે કાર્યપાલક ઇજનેર રહેશે. જયારે સભ્ય સચિવ તરીકે બે નાયબ કાર્યપાલક ઇજનેર, નીરીક્ષણ સભ્ય તરીકે બે જુનિયર ઇજનેર અને વર્ક આસીસ્ટન્ટ, ક્નસલન્ટ તરીકે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર, ટીપીઆઇ તરીકે સીનીયર ઇજનેર અને લેબ આસીસ્ટન્ટ તરીકે કવોલીટી ઇજનેર મળી કુલ ૧૦ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. 


વીજીલન્સ ટીમના સભ્યોને મહત્વની જવાબદારીઓની સાથે સતા પણ આપવામાં આપવામાં આવી છે. જે અનુસાર મનપાના જુદા-જુદા વિભાગના તમામ પેટા વિભાગીય વડાઓ(એચઓડી)એ પોતાના વિસ્તારમાં કોઇપણ કોન્ક્રીટીંગ કામગીરીનું આયોજન કરતા પહેલા આ હેતુ માટે બનાવામાં આવેલા સતાવાર વોટસએપ ગ્રુપમાં ફરજીયાતપણે તારીખ, સમય અને સ્થળ(ગુગલ લોકેશન સાથે)ની વિગતો સાથે પૂર્વ માહીતી આપવાની રહેશેે. ગુણવતા કોષ(કવોલીટી ક્નટ્રોલ)ની ટીમ કોઇપણ પ્રકારના પૂર્વ સૂચન સિવાય, ક્રોન્ક્રીંટીંગ કામગીરીના અમલીકરણ દરમ્યાન સ્થળ પર આકસ્મિક મુલાકાત(સરપ્રાઇઝ વીઝીટ) લેશે અને ચાલી રહેલી કામગીરીની ગુણવતાની ચકાસણી કરશે. આટલું જ નહીં આકસ્મિક મુલાકાત દરમ્યાન ટીમ દ્વારા સ્થળ પરથી જ કોન્ક્રીંટના જરૂરી નમૂના લેવામાં આવશે અને કવોલીટી સેલ દ્વારા નિયત કરવામાં આવનાર લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ખાસ કરીને જયારે પણ લેવામાં આવેલા નમૂનાઓના કયુબ ટેસ્ટની તારીખ હોય ત્યારે કવોલીટી સેલના ઓછામાં ઓછા બે સભ્યો લેબોરેટરીમાં હાજર રહીને પ્રત્યક્ષ સાક્ષી તરીકે ટેસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે અને તેના રિપોર્ટ પર સહી કરવાની રહેશે.


આસ્ફાલ્ટ વર્કની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા તમામ મટીરીયલના સાઇટ પરના તથા પ્લાન્ટ પરના ટેસ્ટ કવોલીટી સેલ દ્વારા કરવાના રહેશે. કોઇપણ વિશિષ્ટ અથવા પૂર્ણ થયેલા કામોની ગુણવતા અને મજબૂતાઇની ખાતરી કરવા માટે કવોલીટી સેલ પાસે સાઇટ પરથી રેન્ડમલી ફોર કટીંગ કરાવવાની સતા આપવામાં આવી છે. જેથી કરીને આંતરિક ગુણવતાનો સચોટ અંદાજ મેળવી શકાય. સીમેન્ટ ક્રોકીંટ રોડ અને આસ્ફાલ્ટ રોડ ડેન્સીટી, સ્ટ્રેન્થ, બાઇન્ડર,ક્નટેન્ટ, સેન્ડ રીપ્લેસમેન્ટ વિગેરેનો સમાવેશ થાય છે. આ ટીમે દર પખવાડીયે કરેલી કામગીરીના નિરીક્ષણ અને લેબોરેટરી ટેસ્ટના પરિણામનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે. કોઇપણ સ્તરે બેદરકારી અથવા માહીતી છુપાવવાની પ્રવૃતિને ગંભીર શિસ્તભંગ ગણવામાં આવશે.


વીઝન ૨૦૩૫ અને ૨૦૪૭ના દસ્તાવેજોની તૈયારી માટે મનપાકક્ષાએ નોડલ ઓફીસર નિમણૂંક અને કમીટીની રચના:

રાજયના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં સસ્ટેનેબલ, રેસીલીયન્ટ, ઇન્કલુઝીવ અને ટેકનોલોજી આધારિત વિકાસ માટે રોડમેપ સ્થાપિત કરવા વીઝન ૨૦૩૫ અને વીઝન ૨૦૪૭ના દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રીયા હાથ ધરી છે. આ માટે જીયુડીએમ દ્વારા મેસર્સ કેપીએમજી એડવાઇઝરી સર્વીસીસ પ્રા.લી.ની ક્નસલ્ટન્ટ તરીકે નિમણૂંક કરી છે. આ પ્રક્રીયા અન્વયે અસરકારક સંકલન, સમયસર માહીતીનુું એકત્રીકરણ,સ્ટોકહોલ્ડર ક્નસલ્ટેશન, ડેટા વેલીડેશન માટે જામનગર મહાનગરપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયા દ્વારા મનપાકક્ષાએ કમીટીની રચના કરવામાં આવી છે. જેના  નોડલ ઓફીસર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્ર્નરની નિમણૂંક કરવામાં આવી છે. આટલું જ નહીં જામ્યુકોના લેવલેથી ડોકયુમેન્ટેશનની પ્રક્રીયા માટે મંગવામાં આવતી તમામ માહીતી એકત્રીત કરવા અને મોકલી આપવા નોડલ ઓફીસરની મદદ માટે ૧૦ સભ્યોની નિમણૂંક પણ કરાઇ છે. જેમાં સીટી એન્જીનીયર, આસી કમિશ્ર્નર(વહીવટ), વોટર વર્કસના એકઝીકયુટીવ એન્જીનીયર(ડ્રેનેજ), ભૂગર્ભ ગટરના કાર્યપાલક ઇજનેર, સીવીલ શાખાના કાર્યપાલક ઇજનેર, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેર, ભૂગર્ભ ગટર શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર, ટીપીડીપી શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર, ટીપીઓ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application