ખંભાળીયા : કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો
વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કંટાળેલા ગ્રામજનોનું સ્વૈચ્છિક પગલું: કલેકટર અને એસપીએ સમજાવટ કરી, પરંતુ ગ્રામજનો ન માન્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ તેમના વિવિધ પ્રશ્ને ગઈકાલે રવિવારે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ ચૂંટણી પૂર્વે સંબંધિત તંત્રને આ મુદ્દે લેખિત પત્ર પણ પાઠવ્યો હતો.
કલ્યાણપુર નજીક આવેલા અને આશરે ૧૬૫૦ જેટલા મતદારો ધરાવતા મેઘપર ટીટોડી ગામના લોકો ગઈકાલે મતદાનથી વિમુખ રહ્યા હતા. ગ્રામજનો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મેઘપર ટીટોડી ગામથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગને જોડતા રસ્તા તેમજ અન્ય એક હંજડાપર ગામને જોડતા મેઈન રસ્તાના અભાવે ગ્રામજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મેઘપર ટીટોડી ગામથી ગઢકા ગામ તરફ જતા રેલવે ફાટક અવારનવાર ખૂબ જ લાંબો સમય બંધ રહેતા ગ્રામજનોને મુશ્કેલી પડતી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આશરે દોઢ દાયકા જુના રસ્તાના આ પ્રશ્ને ગ્રામજનો દ્વારા સરકારી તંત્રને તેમજ રાજકીય આગેવાનોને અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આ પ્રશ્નનો નિવેડો આવતો ન હતો. આથી કંટાળેલા ગ્રામજનોએ અલ્ટીમેટમ આપ્યા બાદ ગઈકાલે સવારથી અહીં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહી અને કોઈપણ ગ્રામજનોએ મતદાન કર્યું ન હતું. આ અંગેની જાણ અધિકારીઓને થતા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો મેઘપર ટીટોડી ગામે દોડી ગયો હતો.
અહીં આવેલા અધિકારીઓએ ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી હતી અને ગ્રામજનો આ બહિષ્કાર કોઈની સમજાવટથી કરે છે કે કેમ તેમ જાણવા માગતા ગ્રામજનોએ કોઈ પણ રાજકીય દબાણ વગર અને સ્વૈચ્છિક સંમતિથી આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું.
૧૬૫૦ જેટલા ગ્રામજનોના આ મતના મહત્વને તેમજ હાલાકીને કોઈ રાજકીય પાર્ટીઓ સમજતી ન હોવાનો સુર પણ સાંભળવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર ટીટોડી ગામના પાદરમાં રહેલા એક પુલના અભાવે દર ચોમાસે ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. જેમાં થોડા સમય પહેલા ચોમાસામાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી હતી. આ પુલનું કામ થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આખા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા પ્રથમ વખત બનેલા આ બનાવે રાજકીય વર્તુળોમાં તેમજ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.