BREAKING NEWS

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક દૂર કરવા અનુરોધ કરતા એન.એચ.એ.આઈ, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબુદુલ્લાહ ખાન

  • July 27, 2026 06:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક દૂર કરવા અનુરોધ કરતા એન.એચ.એ.આઈ, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબુદુલ્લાહ ખાન

મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા

રાષ્ટ્રીય ધોરીમાર્ગની માર્ગ સલામતી માટે ૨૭ જુલાઈથી વિશેષ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકો, વેપારીઓ, હોટેલ સંચાલકો, પેટ્રોલ પંપ સંચાલકો તેમજ અન્ય મિલકત ધારકોને કડક શબ્દોમાં સૂચિત કરવામાં આવે છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-151A અને NH-51 ની રાઈટ ઓફ વે (ROW) માં આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદેસર બાંધકામો, મંજૂરી વિના બનાવવામાં આવેલા પ્રવેશ માર્ગો (Unauthorized Access), અનધિકૃત મીડિયન ગેપ (Median Openings) તથા અન્ય તમામ પ્રકારના અવરોધો સ્વખર્ચે અને સ્વયં ૨ (બે) દિવસની અંદર દૂર કરી દેવામાં આવે. આ અંગે સંબંધિત વ્યક્તિઓને નિયમ મુજબ નોટિસોની બજવણી પણ કરવામાં આવી ચૂકી છે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લાહ ખાને જણાવ્યું છે કે, "રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર સંપત્તિ છે. મુસાફરોના જીવના જોખમે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પ્રવેશ, દબાણ કે અનધિકૃત મીડિયન ગેપને હવે બિલકુલ સહન કરવામાં આવશે નહીં. માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં."

તેમણે વધુમાં જણાવ્યું છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRT&H) ના લાગુ પરિપત્ર મુજબ ખાનગી મિલકત, હોટેલ, પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો તથા અન્ય સંસ્થાઓ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવેશ (Access) મેળવવા માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. મંજૂરી વિના બનાવવામાં આવેલા તમામ પ્રવેશ માર્ગો ગેરકાયદેસર ગણાશે અને તેમને દૂર કરવામાં આવશે.
​​​​​​​
આગામી તા.૨૭/૦૭/૨૦૨૬થી આ ઓફિસના સાઇટ એન્જિનિયર વત્સલ પરસાણીયાની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી વિશેષ અમલીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન NH ROW માં આવેલા તમામ અનધિકૃત દબાણો અને બાંધકામો દૂર કરવામાં આવશે.

ખાનગી મિલકત, હોટેલ, પેટ્રોલ પંપ વગેરેના તમામ અનધિકૃત પ્રવેશ માર્ગો (Unauthorized Access) બંધ કરવામાં આવશે. તેમજ માર્ગ સલામતીને જોખમરૂપ તમામ અનધિકૃત મીડિયન ગેપ કાયમી રીતે બંધ કરવામાં આવશે. તથા ગેરકાયદેસર રીતે નેશનલ હાઈવેની જમીનનો ઉપયોગ કરનારાઓ સામે નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અબ્દુલ્લાહ ખાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈપણ પ્રકારની વિનંતી કે રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. NHAI દ્વારા નિયમો મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં થયેલ સંપૂર્ણ ખર્ચ, નુકસાન તથા અન્ય જવાબદારી સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવશે. ઉપરાંત, મુસાફરોની સલામતી, અકસ્માતોમાં ઘટાડો અને પવિત્ર દેવભૂમિ દ્વારકામાં સુરક્ષિત તથા અવરોધમુક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવવા માટે તમામ નાગરિકોને આ અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવા NHAI દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application