હાલારમાં એક જ દી માં ભાજપના બે ધારાસભ્યના વોટસએપ એકાઉન્ટ હેક થવાથી ચકચાર
હાલારમાં એક જ દી માં ભાજપના બે ધારાસભ્યના વોટસએપ એકાઉન્ટ હેક થવાથી ચકચાર
November 03, 2026 12:43 PM
હાલારમાં એક જ દી માં ભાજપના બે ધારાસભ્યના વોટસએપ એકાઉન્ટ હેક થવાથી ચકચાર
હેકર્સે આર્થિક મદદ માટે નાણાંની જરૂરિયાતના મેસેજ કર્યા
અમારા નામે નાણાંનો વ્યવહાર ન કરવો ધારાસભ્ય રાધવજી પટેલ અને પબુભા માણેકનો અનુરોધ
હાલારમાં એક જ દીવસમાં ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ અને પબુભા માણેકના વોટસએપ એકાઉન્ટ હેક થતાં ભારે ચકચાર જાગી છે. હેકર્સે બંનેના એકાઉન્ટ હેક કરી આર્થિક મદદ માટે નાણાંની જરૂરિયાતના મેસેજ બંને ધારાસભ્યોના સંબધિતોને કર્યો હતાં. બનાવના પગલે સાયબર ક્રાઇમ પોલીસ ધંધે લાગી હતી.આ બનાવના પગલે અમારા નામે નાણાંનો વ્યવહાર ન કરવા બંને ધારાસભ્યએ લોકોને અનુરોધ કર્યો હતો.
રાજયના પૂર્વ કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનું વોટસએપ એકાઉન્ટ ગઇકાલે બપોર બાદ અચાનક હેક થયું હતું. હેકર્સે એકાઉન્ટ હેક કરી ધારાસભ્યના પરિચિતો અને સંબંધિતોને આર્થિક મદદ માટે નાણાંની જરૂરિયાતના મેસેજ કર્યા હતાં. આથી ધારાસભ્યના પરિચિતો અને સંબંધિતો ચોંકી ઉઠયા હતાં અને ધારાસભ્યને કોલ કર્યા હતાં. બીજી બાજુ ધારાસભ્યને પોતાનું વોટસએપ એકાઉન્ટ હેક થયાની જાણ થતાં તેમણે તુરંત જ પોતાના નામે આર્થિક વ્યવહાર ન કરવા સંબંધિતો અને પરિચિતોને અનુરોધ કરતો સંદેશ વહેતો કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ જયારે કૃષિમંત્રી હતા ત્યારે સોશ્યિલ મીડીયામાં તેના ફોટા સાથે ચેડા કરી સ્ત્રી વેશભૂષા પહેરાવી વાયરલ કરતા આ બનાવે પણ ભારે ચર્ચા જગાવી હતી.
જામનગર ગ્રામ્યના ધારાસભ્યની વોટસએપ એકાઉન્ટ હેકની ગણતરીની મીનીટો બાદ દેવભૂમિ દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું વોટસએપ એકાઉન્ટ પણ હેક થયું હતું. હેકર્સે ધારાસભ્યના વોટ્સએપ એકાઉન્ટ મારફતે વિવિધ લોકોને નાણાંની જરૂરિયાતના સંદેશા મોકલ્યા હતાં. ધારાસભ્યના નામે આ ૫્રકારના મેસેજને કારણે લોકો ભારે મૂંઝવણમાં મૂકાયા હતાં. આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પબુભા માણેકે પણ ૫ોતાના નામે નાણાંકીય વ્યવહારો ન કરવા અને સાવચેત રહેવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના મોબાઇલ નંબર પરથી જો કોઈ વ્યક્તિ દ્વારા પૈસાની માગણી કરવામાં આવે તો આવી માગણીને અવગણવી અને કોઈપણ સંજોગોમાં નાણાં ટ્રાન્સફર કરવા નહીં. આવા સંદેશાઓનો જવાબ આપવાનું પણ ટાળવું. બીજી બાજુ એક જ દીવસમાં ભાજપના બે ધારાસભ્યના વોટસએપ એકાઉન્ટ હેક થતા સાયબર ક્રાઇમ પોલીસ ધંધે લાગી હતી. સાયબર ઠગો દ્વારા જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ધારાસભ્યના વોટસએપ એકાઉન્ટ હેક થતાં સાયબર સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. નાગરિકો કોઈપણ અજાણી કે શંકાસ્પદ નાણાકીય માગણીની ખરાઈ કર્યા વગર નાણાં મોકલે નહીં અને સાયબર ઠગાઈથી બચવા સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.