દેવભૂમિ દ્વારકા એલસીબીએ સોલાર પ્લાન્ટમાંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો
૨.૧૮ લાખના મુદ્દામાલ સાથે સિકકા-બેડેશ્ર્વરના ૩ આરોપીઓ ઝડપાયા : ત્રણની સંડોવણી ખુલી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામની સીમમાં આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાંથી થયેલ કોપર વાયરની ચોરીનો ગુનો ઉકેલવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી આશરે સવા મહિના પહેલાં સોલાર પ્લાન્ટમાંથી રૂ. ૧,૯૧,૨૫૦/- ની કિંમતનો અંદાજે ૭૮૭૦ મીટર કોપર વાયર ચોરાયો હતો, જે અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનો શોધી કાઢવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી.
દરમિયાન એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે કાર્યવાહી કરીને જામનગર અને સિક્કા વિસ્તારના ત્રણ આરોપીઓ રાજુ અસગર પઠાણ (રહે. બેડેશ્વર, જામનગર), આમદ ઉર્ફે બુધીયો હારૂન જેડા (રહે. સિક્કા), અને બશીર હનીફભાઈ ચૌહાણ (રહે. બેડેશ્વર, જામનગર)ને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૭૭.૯૫૦ કિ.ગ્રા. બળી ગયેલ કોપર વાયર, ૫૧.૪૫૦ કિ.ગ્રા. રબર સહિતનો કેબલ, ૨ મોબાઈલ ફોન અને વાયર કાપવાનું કટર મળીને કુલ ૨,૧૮,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સિક્કાના અસલમ ઈસા તાયાણી, આરીફ ઈસા તાયાણી અને અસલમના ફુવા નામના અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. પકડવાના બાકી આરોપીઓ અસલમ અને આરીફ વિરૂદ્ધ અગાઉ પણ જામનગર, ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશનમાં વાયર ચોરીના ગુના નોંધાયેલા છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી પહેલાં સોલાર પેનલ વાળી જગ્યાની રેકી કરતી હતી અને ત્યારબાદ રાત્રિના સમયે ભાડાનું ઇકો વાહન લઈને જઈ કટર વડે વાયર કાપી ચોરી કરી ભંગારના વાડામાં વેચી દેતી હતી. એલ.સી.બી. ટીમે પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન સોંપી આપ્યા છે.