નારી વંદના સપ્તાહ અંતર્ગત જામનગરમાં 'મહિલા સુરક્ષા દિવસ'ની ઉજવણી કરાઈ
ઉજવણી અંતર્ગત કાનૂની અધિકારો અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગોકુલનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સ અને સાયબર સુરક્ષા અંગે સ્થાનિક મહિલાઓને પૂરું પડાયું વિસ્તૃત માર્ગદર્શન
જામનગર તા.૧૭, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા ‘નારી વંદના સપ્તાહ’ અંતર્ગત "મહિલા સુરક્ષા દિવસ" નિમિત્તે ગોકુલનગર સ્થિત મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઉપસ્થિત વિશાળ સંખ્યામાં મહિલાઓને 'ઘરેલું હિંસા સામે મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૫' અંતર્ગત તેમના કાનૂની અધિકારો અને સરકારી સહાય સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે ‘શી ટીમ’ દ્વારા મહિલાઓને આત્મરક્ષણ, સાયબર સુરક્ષા તેમજ ઈમરજન્સી સેવાઓ અને શી ટીમની કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તે ઉપરાંત, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા કલ્યાણ અને નારી સશક્તિકરણ માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર યોગેશભાઈ કણજારિયા, તૃપ્તિબેન ખેતીયા, સંગીતાબેન ગુઢકા, પ્રમુખ દર્શિતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ વિનોદભાઈ ગૌસ્વામી, મહામંત્રી દીપકભાઈ અકબરી, શી ટીમમાંથી કલ્પનાબેન ભગત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપાસનાબેન ઠક્કર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે DHEW, OSC, PBSC, VMK અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સહિતના વિવિધ પ્રકલ્પોના તમામ કર્મચારીઓએ હાજર રહી જહેમત ઉઠાવી હતી.