BREAKING NEWS

વર્લ્ડ હિપેટાઇટિસ ડે-૨૦૨૬: હિપેટાઇટિસ અંગેની ગેરસમજ દૂર કરી સ્વસ્થ સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું 

  • July 28, 2026 04:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ હિપેટાઇટિસ ડે-૨૦૨૬: હિપેટાઇટિસ અંગેની ગેરસમજ દૂર કરી સ્વસ્થ સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું 

વિશ્વભરમાં દર વર્ષે ૨૮ જુલાઈના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ હિપેટાઇટિસ જેવા ગંભીર વાયરસજન્ય રોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો, સમયસર નિદાન અને સારવાર માટે પ્રેરિત કરવાનો તેમજ રસીકરણનું મહત્વ સમજાવવાનો છે. વર્ષ ૨૦૨૬ માટે "Let's Break It Down" થીમ નક્કી કરવામાં આવી છે, જેનો મુખ્ય સંદેશ હિપેટાઇટિસ અંગેની ગેરસમજો દૂર કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે.

હિપેટાઇટિસ એ યકૃત (લિવર)ને અસર કરતો ગંભીર વાયરસજન્ય ચેપ છે. તેના વિવિધ પ્રકારોમાં હિપેટાઇટિસ-A અને E મુખ્યત્વે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે, જ્યારે હિપેટાઇટિસ-B અને C સંક્રમિત લોહી, અસુરક્ષિત સોય-સિરીંજ, યોગ્ય તપાસ વગરનું લોહી ચઢાવવાથી, સંક્રમિત માતાથી નવજાત શિશુમાં, અસુરક્ષિત જાતીય સંબંધો તેમજ રેઝર, ટૂથબ્રશ જેવી વ્યક્તિગત વસ્તુઓના સહિયારા ઉપયોગથી ફેલાઈ શકે છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ હિપેટાઇટિસના ઘણા દર્દીઓમાં શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ લાંબા સમય સુધી થાક લાગવો, ભૂખ ન લાગવી, ઉબકા, તાવ, પેટમાં દુખાવો, પેશાબનો રંગ પીળો થવો તેમજ આંખો અને ચામડી પીળી પડવી જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને તમામ સગર્ભા માતાઓએ ગર્ભાવસ્થા દરમિયાન હિપેટાઇટિસ-Bની તપાસ અવશ્ય કરાવવી જોઈએ, જેથી માતા અને નવજાત બાળક બંનેનું આરોગ્ય સુરક્ષિત રહી શકે.

હિપેટાઇટિસથી બચવા માટે કેટલીક  મહત્વપૂર્ણ સાવચેતીઓ અપનાવવી જરૂરી છે. ટેટૂ કરાવતા કે કાન-નાક વીંધાવતા સમયે નવી અને જંતુમુક્ત સોયનો જ ઉપયોગ થાય તેની ખાતરી કરવી જોઈએ. ઇન્જેક્શન માટે હંમેશા ડિસ્પોઝેબલ સોયનો ઉપયોગ કરવો, તપાસ કરાયેલ સુરક્ષિત લોહી જ ચઢાવવું તેમજ રેઝર, ટૂથબ્રશ જેવી વ્યક્તિગત વસ્તુઓ અન્ય સાથે શેર કરવી નહીં.

હિપેટાઇટિસ-B સામે સુરક્ષિત અને અસરકારક રસી ઉપલબ્ધ છે. સમયસર રસીકરણ દ્વારા આ ગંભીર રોગથી બચી શકાય છે. નિયમિત તપાસ, સ્વચ્છતા, સલામત જીવનશૈલી અને યોગ્ય સારવાર દ્વારા હિપેટાઇટિસને નિયંત્રિત કરી શકાય છે તેમજ લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી ગંભીર જટિલતાઓથી પણ બચી શકાય છે.

જનજાગૃતિ અને સામૂહિક પ્રયત્નો દ્વારા જ હિપેટાઇટિસ મુક્ત, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application