દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પોલીસે સજા વોરંટના ૩ આરોપી ઝડપાયા

  • August 12, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પોલીસે સજા વોરંટના ૩ આરોપી ઝડપાયા 

બે આરોપીઓને જેલહવાલે કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસે સફળ કામગીરી કરી છે.

કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અંગે મળેલી સૂચના અન્વયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. એન. હાથલીયા તથા ભાટીયા આઉટ પોસ્ટના પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે. પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી વર્કઆઉટ કરતા એ.એસ.આઈ. ભીમશીભાઈ આર. કાગડીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ એમ. બાવળીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે નંદાણા ગામેથી સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં જામ-ખંભાળીયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર ૨૬૨૭/૨૦૨૪ ના કામે બે વર્ષની સાદી કેદની સજા અને ૯,૦૦,૦૦૦/- ના દંડનો હુકમ થયેલ હોય તેવા નંદાણા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા સામતભાઈ ભોજાભાઈ મોરી તથા કેસ નંબર ૨૬૭૦/૨૦૨૪ ના કામે બે વર્ષની સાદી કેદની સજા અને ૧૨,૪૧,૯૦૦/- ના દંડનો હુકમ થયેલ હોય તેવા નંદાણા ગામના ખારા વિસ્તારના ગોવિંદભાઈ વિરજીભાઈ કણઝારીયાનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને ખંભાળીયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેમને સજા ભોગવવા માટે જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આ ઉપરાંત, રાજકોટના આઠમા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નંબર ૨૧૦૯૩/૨૦૨૩ ના કામે સજા અંગેના અમલવારી પકડ વોરંટ અન્વયે ભાટીયાના રહેવાસી જીવાભાઈ દેવાભાઈ વાઘેલાની અટકાયત કરી તેમને રાજકોટ કોર્ટમાં રજૂ કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application