ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ વીરાભાઈ ચાનપા નામના 32 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે આરંભડા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પોતાની જાતે પડતું મૂકી દેતા ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કમલેશભાઈ વિરુદ્ધ થોડા દિવસો પૂર્વે છેડતી અંગેની ફરિયાદ થઈ હતી. જેના કારણે સમાજમાં તેમની બદનામી થવાના ડરથી તેમણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના મોટાભાઈ કારાભાઈ વીરાભાઈ ચાનપા (ઉ.વ. 45, રહે. આરંભડા) એ મીઠાપુર પોલીસને કરી છે.
બેહ ગામે મંદિરમાં ચણ માટેની દાન પેટીની ચોરી
ખંભાળિયા તાલુકાના બેહ ગામે આવેલા જુંગીવારા વાછરાભા મંદિરમાં રાખવામાં આવેલી ચણ માટેની દાન પેટી ગત તારીખ 22 ના રોજ રાત્રિના ત્રણેક વાગ્યાના સમયે કોઈ તસ્કરોએ ચોરી કરીને લઈ ગયા હોવાની હોવાનું ખુલવા પામ્યું છે. અંદાજે રૂ. બે થી ત્રણ હજાર જેટલી રકમ સાથેની આ દાન પેટીની ચોરી થવા સબબ બેહ ગામના અગ્રણી પ્રવીણભાઈ મામૈયાભાઈ ગઢવીએ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
કુતરાને માર મારતા યુવાનને ટપારતા કુહાડી વડે હુમલો: ભાણવડનો બનાવ
ભાણવડમાં આવેલી પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દેવાભાઈ સાદીયા નામના શખ્સ દ્વારા બજારમાં કુતરાઓને મારવામાં આવતા આ વિસ્તારમાં રહેતા સવિતાબેન કિશોરભાઈ ચાવડાએ દેવાભાઈને કૂતરાઓને ન મારવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાયેલા દેવાભાઈએ તેના હાથમાં રહેલા કુહાડા સાથે અહીં આવી અને તેમના ઘર નજીક રીક્ષાનું રીપેરીંગ કામ કરતા તેણીના પતિ કિશોરભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ. 41) ઉપર કુહાડી વડે હુમલો કરી તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, કુહાડી વડે તેમના ઘરનો દરવાજો તોડી, ઘરમાં પ્રવેશીને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ભાણવડ પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે કિશોરભાઈ જેઠાભાઈ ચાવડાની ફરિયાદ પરથી દેવા સાદીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.