માનવ એકતા દિવસ - નિષ્કામ સેવાનો અનુપમ સંકલ્પ: ગુજરાત રાજ્યમાં ૯ શિબિરોમાં ૧૮૬૨ યુનિટ રક્તદાન
દર વર્ષની જેમ નિરંકારી મિશન દ્વારા ૨૪ એપ્રિલના રોજ બાબા ગુરબચન સિંહજીની પવિત્ર સ્મૃતિમાં માનવ એકતા દિવસની ઉજવણી પ્રેમ અને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરતા શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાઓથી ભરપૂર વાતાવરણમાં કરવામાં આવી. આ દિવસ માત્ર પવિત્ર સ્મરણનો અવસર નથી, પરંતુ માનવતા, સૌહાર્દ અને એકત્વની ભાવનાઓનો આત્મિક સંગમ છે.
માનવ એકતા દિવસના અવસરે મિશન દ્વારા દેશભરમાં રક્તદાનની પ્રેરણાદાયી શૃંખલા શરૂ થાય છે, જે નિ:સ્વાર્થ સેવા ભાવનાની સામૂહિક જાગૃતિનું સ્વરૂપ બનીને આખા વર્ષ દરમિયાન સમાજમાં પ્રવાહિત રહે છે. આ સાથે સત્સંગ કાર્યક્રમો દ્વારા પ્રેમ, શાંતિ અને સમરસતાનો પ્રકાશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ દિવસ એ બાબતનો પરિચાયક છે કે સેવા એ માત્ર કાર્ય નથી, પરંતુ નિષ્કામ સમર્પણની આત્મિક ભાવના છે.
આ વર્ષે પણ, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતની લગભગ ૫૦૦થી વધુ શાખાઓ પર ભવ્ય રક્તદાન શિબિરોની અવિરત શૃંખલા યોજવામાં આવી. સંત નિરંકારી હેલ્થ સિટીના મેડિકલ ડિરેક્ટર ગીતિકા દુગ્ગલે જણાવ્યું કે આજે સમગ્ર ભારતમાં યોજાયેલી રક્તદાન શૃંખલામાં લગભગ ૩૦,૦૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, જેમાંથી ફક્ત દિલ્હી શિબિરમાં જ લગભગ ૧,૦૦૦ યુનિટ રક્તદાન થયું હતું.
માનવ એકતા દિવસના ઉપલક્ષ્યે ગુજરાત રાજ્યમાં ૯ સ્થળોએ ભવ્ય રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ મળીને ૧૮૬૨ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન, જામનગર ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં ૧૦૦ નિરંકારી ભક્તોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું, જેનું સંકલન ગુરુગોવિંદ સિંહ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.
જામનગરમાં પટેલ કોલોની સ્થિત સત્સંગ ભવનમાં મહાનગરપાલિકાના નગરસેવક સુભાષભાઈ જોશી અને અલકાબા જાડેજાએ આ શિબિરની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે માનવતાના બંધનોને મજબૂત બનાવવા અને સાર્વત્રિક ભાઈચારાના સંદેશને ફેલાવવામાં સંત નિરંકારી મિશનના આ પ્રશંસનીય પ્રયાસની પ્રશંસા કરી હતી.
ગુજરાત રાજ્યમાં, અમદાવાદમાં ૩૦૦ યુનિટ, વડોદરામાં ૧૫૯, દમણમાં ૧૩૦, ગોધરામાં ૪૩૫, સુરત માં ૫૪૨ ગાંધીનગરમાં ૮૧, મહેસાણામાં ૬૦ અને ભાવનગરમાં ૫૫ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું.
યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહજીએ સત્ય બોધ દ્વારા સમાજને અંધવિશ્વાસો અને કુરિવાજોથી મુક્ત કરીને નશા મુક્તિ, સાદું લગ્ન અને યુવાનોને સકારાત્મક વિચારસરણી સાથે જોડવા જેવા લોક-કલ્યાણકારી અભિયાનોની પ્રેરણાદાયી શરૂઆત કરી હતી. તેમના પવિત્ર માર્ગદર્શનને આગળ વધારતા બાબા હરદેવ સિંહજીએ રક્ત નાડીઓમાં વહે, નાળીઓમાં નહીંનો અમર સંદેશ આપી રક્તદાનને મિશનની આધ્યાત્મિક સેવાનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. આ સંદેશ આજે પણ દરેક નિરંકારી ભક્તના હૃદયમાં સેવા અને સમર્પણની પ્રેરણાદાયી જ્યોત બનીને જીવંત છે.
આ દિવસ ચાચા પ્રતાપસિંહજી સહિત તે તમામ સમર્પિત બલિદાની સંતોની પવિત્ર સ્મૃતિનું પ્રતીક છે, જેમણે માનવ એકતા, નિ:સ્વાર્થ સેવા અને આધ્યાત્મિક ચેતનાના માર્ગે ચાલીને પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કર્યું. માનવ એકતા દિવસ તેમના અડગ વિશ્વાસ અને સંકલ્પની પ્રેરણાને જીવંત કરે છે. માનવ એકતા દિવસે ગુજરાત રાજ્યની દરેક બ્રાન્ચમાં વિશેષ સત્સંગ સમારોહોનું આયોજન કરવામાં આવ્યું હતું.