ગુજરાતની ૧૭ હજાર ખાનગી શાળાઓના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રજૂઆત

  • September 21, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યરત ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે 'સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લા' દ્વારા સરકાર સમક્ષ એક વિસ્તૃત આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એફઆરસી, આરટીઇ, શાળાઓની સ્વાયતતામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા અને ગવર્નન્સ ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ આપવા અંગેના મુદ્દા રજૂ કરાયા છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓનો ફાળો ૬૦% કરતાં પણ વધુ છે, જેમાં અંદાજે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી નિરાકરણ ન આવતા મંડળ દ્વારા મુખ્ય ૪ માંગણીઓ રજૂ કરાઈ છે જેમાં પ્રથમ ફી રેગ્યુલેટરી કમિટીની પ્રક્રિયાનું સરળીકરણ: હાલમાં સ્વનિર્ભર શાળાઓની ફી દર ૩ વર્ષે ઓડિટ રિપોર્ટના આધારે નક્કી થાય છે. મંડળની માંગણી છે કે જે શાળાઓ દર વર્ષે મંજૂર થયેલી ફીમાં ૧૦% કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને દરખાસ્ત કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની ૯૦% શાળાઓને એફઆરસીની જટિલ કાર્યવાહીમાંથી મુક્તિ મળશે અને કચેરીનું ભારણ પણ ઘટશે. બીજું આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓની ફી ચૂકવણી: વર્ષ ૨૦૧૭ના અમલવારી મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ₹૧૦,૦૦૦ આપવામાં આવતા હતા. હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ, "સરકાર દ્વારા જે-તે શાળાની એફઆરસી મંજૂર થયેલ ફી આપવી અથવા સરકાર દ્વારા જે-તે વિસ્તારમાં ચલાવાતી શાળામાં વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ આપવો, એ બંનેમાંથી જે યોગ્ય હોય તે ચૂકવવું." જોકે, આ માર્ગદર્શનનો હજુ સુધી અમલ થયો ન હોવાથી મંડળ દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર રકમ ચૂકવવા નમ્ર અપીલ કરાઈ છે.ત્રીજી મહત્વપૂર્ણ રજૂઆતમાં શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવા બાબત: તાજેતરમાં પસાર કરાયેલા "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક ૨૦૨૬" માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા બાબતે મંજૂરી લેવાની જોગવાઈ સામે મંડળે વાંધો ઉઠાવ્યો છે. મંડળનું કહેવું છે કે સ્વનિર્ભર શાળાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતી નથી, જેથી કર્મચારીઓની બાબતમાં શાળાઓની સત્તા અકબંધ રહેવી જોઈએ અને વિધેયકમાં જરૂરી સુધારો થવો જોઈએ. ચોથું રોજબરોજના ગવર્નન્સ ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ: હાલમાં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે એક સરખા પરિપત્રો જાહેર થતા હોવાથી વહીવટી વિસંગતતા ઊભી થાય છે. વળી, એક જ પ્રકારની માહિતી વારંવાર માંગવામાં આવે છે. આ સમસ્યાના ઉકેલ માટે એક "કોમન પોર્ટલ" બનાવવાની માંગ કરાઈ છે, જ્યાં તમામ માહિતી અપડેટ રાખી શકાય. આ ઉપરાંત, સ્વનિર્ભર શાળાઓ માટે અલગથી પરિપત્રો બહાર પાડવામાં આવે તો વહીવટી સરળતા રહેશે તેમ મંડળનું માનવું છે. મંડળના પ્રમુખ અવધેશ કાનગડ, અધ્યક્ષ ડી.વી. મહેતા અને મહામંત્રીઓ ઉર્વિશ પટેલ તથા ભાવેશ વેકરીયાની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application