જામનગરમાં સાતમા દિવસે વિઘ્નહર્તાની ૧૩૭૪ મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન
જામનગરમાં ગણેશોત્સવના સાતમા દિવસે ગણપતિ બાપાની મૂર્તિઓના વિસર્જન માટે શહેરના બંને વિસર્જન કુંડ ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો. રવિવારની રજા હોવાથી અનેક ગણેશ મંડળો દ્વારા ઢોલ-નગારાં અને ભક્તિભાવ સાથે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરથી નીકળેલી ગણેશ વિસર્જન યાત્રાઓના કારણે વાતાવરણ ગણેશમય બની ગયું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. સાતમા દિવસે બંને કુંડ ખાતે નાની-મોટી ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ગણેશ મંડળો તેમજ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક મંડળો દ્વારા પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપાને નાચતા-ગાતા અને જયઘોષ સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
રવિવારની રજા અને સાતમા દિવસે મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન થવાનું હોવાથી મહાનગરપાલિકા દ્વારા બંને કુંડ ખાતે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હાઇડ્રા ક્રેઇન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવતા નાનીથી લઈને મોટી મૂર્તિઓનું સલામત અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના આંકડા મુજબ તા. ૨૦ સપ્ટેમ્બરે સાતમા દિવસે ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં ૧૦૨૨ તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં ૩૫૨ મળી બંને કુંડમાં કુલ ૧૩૭૪ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશોત્સવના સાત દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ ૨૭૦૮ તથા સરદાર રિવેરા કુંડમાં ૭૫૬ મળી બંને કુંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૪૬૪ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગણેશ ભક્તોએ પોતાના આરાધ્ય દેવને ભાવભીની વિદાય આપી આગામી વર્ષે ફરી પધારવાની પ્રાર્થના સાથે ગણપતિ બાપા મોરિયાના જયઘોષ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application