એક કારે ઠોકર મારતા ઇજાગ્રસ્તને સાઇડમાં લઇ જનાર યુવાનને હડફેટે લીધો : મૃતકની ઓળખ માટે તજવીજ : બે કારના ચાલક સામે ફરીયાદ
ધ્રોલના સોયલ ટોલ નાકા નજીકના હાઇવે પર ગઇકાલે ફોરવ્હીલ ગાડીના ચાલકે ગફલતથી ચલાવીને અજાણ્યા વ્યકિતને ઠોકર મારી ગંભીર ઇજા પહોચાડી હતી આ વેળાએ ઇજાગ્રસ્તને ફરીયાદી તથા સાહેદે રોડની સાઇડમાં લઇ જતા હતા એ દરમ્યાન બીજી ગાડીના ચાલકે ગફલતથી ચલાવીને નથુવડલાના યુવાનને ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી, જયારે ગંભીર ઇજા પામેલા અજાણી વ્યકિતનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. આ અંગે બે ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા હસમુખભાઇ જેન્તીભાઇ કગથરા (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે ધ્રોલ પોલીસમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે-૧૦-એપી-૫૧૬૮ના ચાલક તથા ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦એપી-૮૩૬૫ના ચાલકની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આ વિચિત્ર અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે સોાયલ ટોલનાકા હાઇવે પર ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦એપી-૫૧૬૮ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને એક અજાણ્યા માણસને ઠોકર મારી શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી અને ગાડી લઇને નાશી ગયો હતો, ઇજાગ્રસ્ત વ્યકિતને ફરીયાદી તથા સાહેદો રોડની સાઇડમાં લઇ જતા હતા.
એ દરમ્યાન ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦એપી-૮૩૬૫ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીને વાંસાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી તથા ઉપરોકત અજાણ્યા માણસ પર ગાડી ચલાવી માથા અને પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન અજાણી વ્યકતીનું મૃત્યુ નિપજયુ હતું. બનાવની જાણ થતા પીએસઆઇ બાટવા અને સ્ટાફ સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા ફરીયાદના આધારે કારચાલકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.