કોડીનારના ઘાંટવડમાં કુવામાં ખાબકેલી દીપડીનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું

  • September 22, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના રેવન્યુ ચકદળ વિસ્તારમાં એક માદા દીપડી અચાનક વાડીના કુવામાં ખાબકી જતાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સારવાર માટે જામવાળા વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, ઘાંટવડ રેવન્યુ વિસ્તારમાં ઉપેન્દ્રભાઈ જયંતીલાલ ગટેચાની વાડીમાં આવેલા કુવામાં એક માદા દીપડી પડી ગઈ હતી. તા. 21 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે આશરે 10:20 વાગ્યે આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દામણીયા તથા બીટ ગાર્ડ આર.વી. વાળા સહિતની વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કુવામાં પડેલી દીપડીને કોઈ ઈજા ન થાય અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટે વન વિભાગ દ્વારા તકેદારીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રેસ્ક્યુ દરમિયાન સાઈડ શટર મારફતે પાંજરું કુવામાં ઉતારવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપડીને પાંજરામાં સુરક્ષિત રીતે પૂરવામાં આવી હતી. આશરે સવારે 11:30 વાગ્યે દીપડીને પાંજરામાં લેવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી.રેસ્ક્યુ કરાયેલી દીપડી માદા હોવાનું અને તેની અંદાજિત ઉંમર 5થી 9 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. દીપડીને પાંજરામાં લીધા બાદ જરૂરી સારવાર અને તપાસ માટે જામવાળા વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હતી.આ રેસ્ક્યુ કામગીરીમાં ટ્રેકર પીન્ટુભાઈ ચુડાસમા, રાજુભાઈ બાંભણીયા, દીનેશભાઈ ખસીયા, મહેશભાઈ બાંભણીયા, સંજયભાઈ ઠાકોર અને એભલભાઈ ભાલીયા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.વન વિભાગની ટીમની સમયસરની કાર્યવાહી અને સંકલિત કામગીરીના કારણે કુવામાં ખાબકેલી દીપડીનું સલામત રેસ્ક્યુ શક્ય બન્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ દીપડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા રાહતની લાગણી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application