જામનગર શહેરમાં દિવાળી આવતા જ ફટાકડાની દુકાન અને રેંકડીઓનો રાફળો ફાટી નિકળ્યો છે ત્યારે મ્યુ.કમિશ્નરે કડક આદેશ આપીને જે આડેધડ મંજુરી આપવામાં આવી છે તે રદ કરવા નિર્ણય કર્યો છે, એટલું જ નહીં નવી મંજુરી ઉપર રોક લગાવાઇ છે, આડેધડ મંડપ લગાવનારાઓ પર તવાઇ બોલાવવાનું ચાલું કર્યુ છે, ઇલેકટ્રીક લાઇન અને થાંભલા પાસે જ ફટાકડા વેંચાણની કોઇપણ જાતની મંજુરી આપવામાં નહીં આવે તેવું મ્યુ.કમિશ્નરે જાહેર કર્યુ છે જયારે જામનગર શહેરમાં જેમને મંજુરી મળી ગઇ છે તેમાના કેટલાકની મંજુરી રદ કરી નાખવામાં આવી છે જેની સામે કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ડીએમસીને મળ્યું હતું અને વળતરની માંગણી કરી હતી. તંત્ર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
જામનગર શહેરમાં દિવાળીના તહેવાર પહેલા એક અધિકારીએ આડેધડ લાયસન્સ આપ્યા હતાં, તે અંગે તપાસ શરૂ થઇ છે, જો કે મ્યુ.કમિશ્નરે આ અધિકારીની તાત્કાલીક બદલી કરી નાખી છે અને તા.૪ ઓકટો.થી મંડપ કમાનો અને ફટાકડાના લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવ્યા છે, કેટલાક લોકોએ મંજુરી મેળવી હતી, તેમની મંજુરી રદ થતાં તેઓએ પણ વળતર આપવા માંગણી કરી છે. કેટલાક ફાયર ફાઇટરના સાધનો વસાવ્યા હતાં અને મંડપ પણ નાખ્યા છે તેનું ભાડુ પણ વધારે હોય વેપારીઓને ભારે નુકશાની થઇ છે.
અગાઉ પણ કોર્પોરેશન દ્વારા આડેધડ મંજુરી આપવામાં આવતી હતી ત્યારે આ વખતે મ્યુ.કમિશ્નર સમક્ષ કેટલાક લોકોએ રજૂઆત કરી હતી અને અમોએ મંજુરી માટેનો વહિવટ પણ કર્યો છે તેવું જણાવતાં મ્યુ.કમિશ્નર પણ ચોંકી ઉઠયા હતાં અને આ અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
એસ્ટેટના પૂર્વ અધિકારી સામે કડક પગલાની શકયતા
જામનગર શહેરમાં ફટાકડાના લાયસન્સ અને મંડપની આડેધડ મંજુરી આપવામાં આવી છે, તેની સામે હવે ખાનગી રાહે તપાસ શરૂ થઇ છે ત્યારે મ્યુ.કમિશ્નરે આ વિવાદાસ્પદ અને રાજકીય અગ્રણીઓના માનીતા એવા વૃશ્ર્ચિક રાશીના નામ ધરાવતા અધિકારીની તાકીદે સિવીલ શાખામાં બદલી કરી નાખી છે, શરૂ સેકશન રોડ ઉપર ૪૦ વેપારીઓએ જે તે મંડપ અને પથારાના નાણા ભરવાની તૈયારી બતાવી છે, પરંતુ કેટલાક લોકો પાસેથી રૂ.૧૪૦૦૦ લેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે અને તેની પહોંચ પણ આપવામાં આવી નથી. આ ઉપરાંત વધારાના રૂપિયા પણ કેટલીક જગ્યાએ લેવાયા હોવાની ચર્ચા ચાલું છે.
હાલ તો આ અધિકારીએ ધડાધડ આપેલી મંજુરી રદ કરી દેવાઇ છે અને આ મંજુરી તેને કેવી રીતે આપી ? અને કયાં-કયાં વેપારી અને અન્ય લોકોએ કોઇને પ્રસાદ આપ્યો કે કેમ ? તે અંગે પણ ચર્ચા શરૂ થઇ છે, એકાદ-બે દિવસમાં જ આ વિવાદાસ્પદ અધિકારીને મ્યુ.કમિશ્નર કડક નોટીસ પાઠવશે તેમ જાણવા મળ્યું છે.