જામનગર: રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા વાર્ષિક ઇન્સપેકશન : મંદિરોમાં કર્યા દર્શન
એસપી ડો. સૈની સહિતના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ : માઉન્ટેડન વિભાગ, ઓકિસજન પાર્કની મુલાકાત લીધી : જરૂરી સુચનો અને માર્ગદશન આપ્યુ
જામનગરમાં વાર્ષિક ઇન્સપેકશન અનુસંધાને આવેલા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગઇકાલે જામનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપીને સ્વાગત કરાયુ હતું એ પછી એસપી સહિતના અધિકારીઓ સાથે કોન્ફરન્સ યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું, હેડકવાર્ટરની મુલાકાત લીધી હતી ઉપરાંત શહેરના ઐતિહાસીક મંદિરોમાં દર્શન કર્યા હતા.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગઇકાલે જામનગર આવ્યા હતા, એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયુ હતું, આ તકે એએસપી પ્રતિભા રાવ, ડીવાયએસપી પંડયા, ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી વંદા, એલસીબી, એસઓજી તેમજ સીટી-એ,બી,સી,, પંચકોશીના પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થીત રહયા હતા અને ગઇકાલે બપોરે પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કાયદો વ્યવસ્થા સબંધે ચર્ચા-વિચારણા કરી સાથે અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપી સમીક્ષા કરવામાં આવી હતી.
વાર્ષિક ઇન્સપેકશન અન્વયે અહીંના પોલીસ હેડ કવાર્ટર ખાતે પહોચ્યા હતા, જયાં ગાર્ડ ઓફ ઓનર આપી આઇજીનું સ્વાગત કરાયુ હતું, માઉન્ટેડ વિભાગની મુલાકાત લઇને જાત નિરીક્ષણમાં અહીં વિગતો મેળવી હતી, તેમજ સેન્ટરનું ઇન્સપેકશન અને પોલીસ વાહનોની સ્થીતી અને કામગીરીની સમીક્ષા કરી હતી, ઉપરાંત ઓકિસજન પાર્કની મુલાકાત દરમ્યાન હરીયાળી અને પર્યાવરણલક્ષી વિકાસના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઇન્સપેકશનના અંતે પોલીસ સંમેલનમાં ઉપસ્થીત રહીને અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી બાબતે ચર્ચા કરી હતી, ઉપરાંત સારી કામગીરી કરનારને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહીત કર્યા હતા, કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા તેમજ પોલીસ કામગીરીમાં ગુણવત્તા વધારવા આઇજી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી.
આઇજી નિર્લિપ્ત રાય દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જામનગરના શ્રી ભિડભંજન મહાદેવની પૂજા અર્ચના કરી હતી ત્યાર બાદ તેઓ સુપ્રસિઘ્ધ શ્રી બાલાહનુમાન મંદિરે જઇને ત્યાં દર્શન કર્યા હતા તેમની સાથે અન્ય અધિકારી જોડાયા હતા.