દ્વારકા: ઓખા ન.પા.ની ચુંટણી માટે ભાજપે લીધી સેન્સ

  • September 22, 2026 12:33 PM 

દ્વારકા: ઓખા ન.પા.ની ચુંટણી માટે ભાજપે લીધી સેન્સ

પ્રદેશના નિરિક્ષકો હસમુખ હિંડોચા, કિરણ પુરોહિત, ભાવના હીરપરા દ્વારા થોકબંધ દાવેદારોને સાંભળવામાં આવ્યા: રાબેતા મુજબ થોકબંધ દાવા રજુ કરવામાં આવ્યા: મોડે સુધી ચાલી સેન્સ પ્રક્રિયા: ભાજપ, કોંગી, આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે

ઓખા નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે છેલ્લા અઢી દાયકાથી શાસન કરી રહેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પ્રદેશનાં નિરિક્ષકો સમક્ષ થોકબંધ દાવા રજુ કરવામાં આવ્યા હતા, મોડે સુધી પ્રક્રિયા ચાલી હતી, આ વખતેની ચુંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ થવાની શકયતા છે.

અગાઉ જાહેર થયા મુજબ ઓખા નગરપાલિકા અને ભાડથર જિ.પંચાયતની એક બેઠકની પુટા ચુંટણીની સેન્સ પ્રક્રિયા ઓખા મહાજન વાડી ખાતે સવારે ૧૧ કલાક બાદ શરૂ થઇ હતી, ઓખામાં સેન્સ લેવાયા બાદ સાંજે ૫.૩૦ કલાકે ખંભાળીયા ખાતે ભાડથર માટે સેન્સ લેવામાં આવશે, પ્રદેશનાં નિરિક્ષકો તરીકે જામનગર શહેર ભાજપનાં પુર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા ઉપરાંત જુનાગઢ શહેર ભાજપનાં પુર્વ મહામંત્રી, કિરણભાઇ પુરોહિત, અને  પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન હીરપરા ઉપસ્થિત રહ્યા હતા, જેમની સમક્ષ ચુંટણી લડવા માંગતા ઇચ્છુકોએ પોતાના દાવા રજુ કર્યા હતા, ભાજપની પ્રક્રિયા મુજબ નિરિક્ષકો દાવેદારોનાં નામ લઇને પાર્લૌમેન્ટરી બોર્ડ સમક્ષ પહોંચશે અને આ પછી જે તે વોર્ડની બેઠક માટે ઉમેદવારોના નામ નકકી થશે. ઓખા ન.પા.નો ઇતિહાસ થોડો રોચક રહ્યો છે, નગરપાલિકાની રચના પહેલા ઓખા, સુરજકરાડી, આરંભડા મ્યુ.બરો તરીકે અસ્તિત્વમાં હતા અને ત્રણેયને ભેળવીને નગરપાલિકાની રચના થઇ હતી જેમાં બેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

જયારથી નગરપાલિકાની રચના થઇ ત્યારથી ભાજપનું શાસન અકબંધ છે, ગત વખતે ૨૦૨૧ની ચુંટણીમાં કુલ ૩૬ બેઠકમાંથી ૩૪ બેઠક ભાજપે જીતી હતી, બે બેઠક પર કોંગીના ઉમેદવાર જરૂર જીત્યા હતા પરંતુ પાછળથી એ પણ ભાજપમાં ભળી જતા વિપક્ષમાં કોઇ રહ્યું જ ન હતું. અને કોંગ્રેસનો વ્હાઇટ વોશ થઇ ગયો હતો, આમ આદમી પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ ન હતું.

આ વખતે પણ ઓખામાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત છે, સતાધારી ભાજપની શકિત સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી તાકાત દેખાડે તે જોવું રસપ્રદ રહેશે, સ્થાનિક વર્તુળો એમ કહે છે કે ગત ન.પા.ની ચુંટણીમાં જે એકતરફી પરિણામ આવ્યા તેનાથી આ વખતે સ્થિતિ થોડી વિપરિત છે.
​​​​​​​
વિશ્ર્લેષકો કહે છે કે બેટ દ્વારકામાં મોટા પાયે થયેલ ડિમોલીશન જેન-ઝીની નારાજગી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડુતોનાં પ્રશ્ર્નોને લઇને આ વખતે ભાજપ માટે પણ સ્થિતિ ચેલેન્જવાળી માનવામાં આવી રહી છે, જો કે છેલ્લી ચાર-પાંચ ટર્મથી ભાજપનું શાસન રહ્યું હોવાથી એક રીતે બેનીફીટ પણ મળી શકે તો બીજી રીતે એન્ટી ઇન્કમબન્સી પણ ભાજપને નડી શકવાની ભીતી નકારી શકાતી નથી. ટુંકમાં આ ચુંટણી ભવિષ્યના વરતારા સમાન બની શકે કારણકે ૨૦૨૭માં જયારે ગુજરાત વિધાનસભાની ચુંટણી થશે ત્યારે ન.પા.ની ચુંટણીનાં પરિણામ અસરકર્તા સાબિત થઇ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application