જામનગર સહીત રાજયમાં એચટાટ આચાર્યોને વધારાના ચાર્જનો વિવાદ, જુનો પરિપત્ર રદ

  • June 11, 2026 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહીત રાજયમાં એચટાટ આચાર્યોને વધારાના ચાર્જનો વિવાદ, જુનો પરિપત્ર રદ

નવી જોગવાઇ અનુસાર ઘણા એચટાટ આચાર્યને બે શાળાનો ચાર્જ સંભાળવાનો થશે: એક શાળામાં સમય ઘટતો હોય બે શાળાના ચાર્જથી બંને બગડે તેવો ઘાટ થશે

સુધારો: રજૂઆતો, વિરોધ અને કાનૂની જંગ બાદ રાજયના શિક્ષણ વિભાગને નવો પરિપત્ર કરવાની ફરજ પડી, જામનગરમાં હજુ અમલવારી નહીં
 
જામનગર સહીત રાજયમાં સરકારી શાળાઓના એચટાટ આચાર્યોને વધારાના ચાર્જના વિવાદ બાદ રજૂઆતો, વિરોધ અને કાનૂની જંગથી રાજયના શિક્ષણ વિભાગને આખરે જૂનો પરિપત્ર રદ કરી નવો પરિપત્ર કરવાની ફરજ પડી છે. પરંતુ નવા પરિપત્રની જોગવાઇ અનુસાર ઘણા એચટાટ આચાર્યોને બે શાળાનો ચાર્જ સંભાળવાનો થશે. વર્તમાન સમયમાં અન્ય કામગીરીના ભારણથી એક શાળામાં સમય ઘટતો હોય બે શાળાના ચાર્જથી બંને બગડે તેવો ઘાટ સર્જાશે તેમાં બેમત નથી.

જામનગર સહીત રાજયભરમાં સરકારી શાળાઓમાં આચાર્યનો ચાર્જ આપવા શિક્ષણ વિભાગે ગત તા.૧૭-૦૧-૨૦૨૬ના પરિપત્ર કર્યો હતો. જેમાં જે પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ન હોય તે કિસ્સામાં શાળાથી ૧૦ કીમી અંતરમાં આવેલી હોય તેવી શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયું હોય તો આ એચટાટ મુખ્ય શિક્ષકને આ શાળાના આચાર્યનો ચાર્જ સોંપવાનો રહેશે. જો આચાર્ય ચાર્જ સ્વીકારવાની ના પાડે કે ઇન્કાર કરે તો કારણદર્શક નોટીસ પાઠવી નિયમોનુસાર શિસ્તવિષયક કાર્યવાહી કરવાની રહેશે. જયારે જે પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ હોય અને એચટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે કિસ્સામાં પરિપત્રની સૂચના અનુસાર મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો રહેશેે. પગાર કેન્દ્વ એટલે કે પે સેન્ટર સ્કૂલ પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકના મંજૂર મહેકમ અનુસાર અને જો ૧૦ કીમીની અંતરમાં શાળા ન હોય તે કિસ્સામાં તે શાળાના શ્રેયાન(સિનિયર) શિક્ષકને શાળાના આચાર્યનો ચાર્જ સોંપવાનો રહેશે. આટલું જ નહી હાલમાં જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળતા હોય તેમને મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવાનુ ચાલુ રાખવું સહીતની જોગવાઇ કરાઇ હતી. આ પરિપત્ર સામે રાજયભરની સરકારી શાળાના એચટાટ આચાર્યોમાં ભારે વિરોધ થતાં વિવાદ થયો હતો. 

જો કે, આખરે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ આપવા બાબતે તા.૧૭-૦૧-૨૦૨૬ના કરાયેલો પરિપત્ર રદ કરી તા.૬-૬-૨૦૨૬ના નવો પરિપત્ર કરાયો છે. જેમાં જણાવ્યાનુસાર મુખ્ય શિક્ષકના ચાર્જ અંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ પરિપત્રની સૂચનાનું અલગ અલગ અર્થઘટન થાય અને વહીવટી ક્ષતિઓ નિવારી શકાય તે માટે નવો પરિપત્ર કરાયો છે. આ નવા પરિપત્રની જોગવાઇ અનુસાર જે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના આધારે એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયું ન હોય, તે કિસ્સામાં  તે જ શાળાના શ્રેયાન(સિનિયર) શિક્ષકને ખાતામાં દાખલ તારીખ મુજબની સિનિયોરીટી ઘ્યાને લઇ શાળાના મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરવાની રહેશે. તદઉપરાંત જે સરકારી પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર થયું હોય, પરંતુ હાલમાં જગ્યા ખાલી હોય તેવા કિસ્સામાં શૈક્ષણીક વ્યવસ્થા જાળવવા માટે ૧૫ કીમીની ત્રિજીયામાં સૌથી સીનીયર એચટાટ મુખ્યશિક્ષકને વધારાની માત્ર એક શાળાનો એચટાટ મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સોંપવાનો રહેશે.

જયાં એચટાટ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર થયું હોય તેવી શાળાઓની સંખ્યા તાલુકા-નગરમાં વધુ હોય અને ૧૫ કીમીના વિસ્તારને ઘ્યાને લેતા પ્રમાણમાં કામ કરતા એચટાટ મુખ્ય શિક્ષકો ઓછા હોય ત્યાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયું હોય તેવી બાળકોની વધુ સંખ્યા ધરાવતી શાળાઓને પહેલા ચાર્જ આપવાનો રહેશે. ચાર્જ સંભાળવાનો ઇન્કાર કરવાના કિસ્સામાં રજૂ કરેલા કારણો અને ખુલાસા ઘ્યાને લઇ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીએ નિર્ણય કરવાનો રહેશે. વધુમાં ચાર્જમાં બે શાળા સંભાળતા એચટાટ મુખ્યશિક્ષકે જો અનિવાર્ય સંજોગો ન હોય તો સામાન્ય રીતે પોતાની મુખ્ય શાળામાં સોમ,મંગળ અને બુધવાર અને બીજી શાળામાં ગુ‚વાર, શુક્રવાર અને શનિવારે હાજર રહી તમામ વહીવટી કામગીરી સંભાળવાની રહેશે. પરંતુ આ નવા પરિપત્રથી પણ એચટાટ આચાર્યોમાં નવો ગણગણાટ અને અસંતોષ શરૂ થયો છે. કારણ કે, નવા પરિપત્રની જોગવાઇ અનુસાર કેટલાય એચટાટ આચાર્યોને બે સ્કૂલનો ચાર્જ સંભાળવાનો રહેશે. વાસ્તવમાં હાલની સ્થિતિમાં એક શાળામાં પણ સમય ઘટે છે ત્યારે બે શાળાના ચાર્જથી બાવાના બંને બગડશે તેવો ઘાટ સર્જાશે તેમાં બેમત નથી. ખરા અર્થમાં શાળાના સિનિયર શિક્ષકને જ આચાર્યનો ચાર્જ આપવો જોઇએ. પરંતુ શિક્ષણ જેવી અતિસંવેદનીલ બાબતમાં અણધડ પરિપત્રો કરી બાદમાં સુધારાની શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલીથી અનેક સવાલો ઉઠ્યા છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application