જામનગર: ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરથી સપડા સુધી ભકતોનો મહાસાગર

  • September 14, 2026 02:20 PM 

જામનગર: ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરથી સપડા સુધી ભકતોનો મહાસાગર

જામનગરથી ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી શ્રદ્ધાળુઓએ ગણેશજીના દર્શન કરી માનતા પૂર્ણ કરી

હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દાદાના દરબારે પહોંચ્યા, માર્ગ પર સેવાભાવીઓ દ્વારા અવિરત કેમ્પ યોજાયા

જામનગર નજીક સપડા ખાતે આવેલા પ્રસિદ્ધ સપડેશ્વર ગણપતિજીના મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની કતારો જોવા મળી હતી. ભક્તોએ મંગળા આરતીના દર્શન સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

છોટી કાશી જામનગર અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી વિઘ્નહર્તા દેવ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી પ્રત્યેની અડગ શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા યાત્રા કરીને પવિત્ર યાત્રાધામ સપડા સ્થિત ગણેશ મંદિરે પહોંચ્યા હતા. વહેલી પરોઢથી જ હાથમાં ધજા-પતાકા અને મુખે ગણપતિ બાપ્પા મોરિયા તેમજ મંગલ મૂર્તિ મોરિયાના જયઘોષ સાથે ભક્તોના સંઘો સપડા તરફ આગળ વધ્યા હતા, જેના કારણે સમગ્ર રાજમાર્ગ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. આ પદયાત્રામાં યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત પરિવારો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને પગપાળા ચાલીને દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

શ્રદ્ધાળુઓની આ ભક્તિમય પદયાત્રાને સરળ અને સુવિધાજનક બનાવવા માટે જામનગરથી સપડા સુધીના સમગ્ર માર્ગ પર અનોખી સેવાભાવના પણ જોવા મળી હતી. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, મંડળો તેમજ ઉત્સાહી યુવા ગ્રૂપો દ્વારા ઠેર-ઠેર સેવાકીય કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, ઠંડા પીણા, નાસ્તો, ફળાહાર તેમજ આરોગ્ય વિષયક પ્રાથમિક દવાઓની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાભાવી યુવાનો દ્વારા અત્યંત પ્રેમપૂર્વક અને શ્રદ્ધાભાવથી પદયાત્રીઓની સેવામાં ખડેપગે રહી અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેના પગલે ભક્તિ અને સેવાનો આ અલૌકિક ત્રિવેણી સંગમ સર્વત્ર પ્રશંસા પામ્યો હતો.

ગણેશ ચતુર્થીના પર્વને લઈને મંદિરમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કેટલાક શ્રદ્ધાળુઓએ જામનગરથી સપડા સુધીની આશરે ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી સપડેશ્વર ગણપતિજીના મંદિરે પહોંચીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. પદયાત્રા કરી આવેલા ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application