વિખૂટા પડી ગયેલા વૃદ્ધ યાત્રિકને પરિવાર સાથે મિલાપ કરાવતી દ્વારકા પોલીસ

  • June 11, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિખૂટા પડી ગયેલા વૃદ્ધ યાત્રિકને પરિવાર સાથે મિલાપ કરાવતી દ્વારકા પોલીસ

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે હાલ પુરષોત્તમ માસ નિમિત્તે દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ ભીડભાડ વચ્ચે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા બાદ પોતાના પરિવારથી છૂટા પડી ગયેલા બે વયોવૃદ્ધ યાત્રિકોને દ્વારકા પોલીસે ભારે જહેમત બાદ શોધી કાઢીને તેમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે.

બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટ્રાફિક વ્યવસ્થા અને પેટ્રોલિંગની કામગીરીમાં વ્યસ્ત હતો. તે દરમિયાન દ્વારકા ટાઉનમાંથી બે વયોવૃદ્ધ શ્રદ્ધાળુઓ મળી આવ્યા હતા. જેમાં એક ૫૮ વર્ષીય ગોપાલભાઈ રેવાભાઈ ચૌધરી (રહે. ગાંધીનગર) અને બીજા ૭૦ વર્ષીય દ્રૌપદીબેન રાવડે (રહે. મુંબઈ) નો સમાવેશ થાય છે. આ બંને વૃદ્ધો ભીડના કારણે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. વય મર્યાદાના કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને તેમની પાસે મોબાઈલ ફોન કે પોતાના પરિવારનો કોઈ સંપર્ક નંબર પણ નહોતો.

આ પરિસ્થિતિમાં દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાની સૂચનાથી પોલીસ સ્ટાફે બંને વયોવૃદ્ધોને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશને લાવી આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને સ્થાનિક પૂછપરછના આધારે ભારે જહેમત ઉઠાવીને તેમના પરિવારોનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે બંને વૃદ્ધોને તેમના પરિવાર સાથે સહીસલામત મેળવી આપવામાં આવ્યા હતા. પોતાના સ્વજનોને પરત મેળવતા જ પરિવારો ભાવુક બન્યા હતા અને દ્વારકા પોલીસની માનવતાવાદી કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application