દ્વારકા નજીક સીલબંધ હોટલમાં થયેલી ચોરીમાં પાંચ આરોપીઓ ઝડપાયા

  • May 22, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીક સીલબંધ હોટલમાં થયેલી ચોરીમાં પાંચ આરોપીઓ ઝડપાયા

શખ્સોએ વાયર, ટીવી, એ.સી. સહિતનો ચાર લાખનો મુદ્દામાલ ચોરી કર્યો: પોલીસની ટેકનિકલ તપાસમાં ભેદ ઉકેલાયો

દ્વારકા મીઠાપુર માર્ગ પર રૂપેણ બંદર નજીક આવેલી સીલબંધ સ્કાય કમ્ફર્ટ હોટલમાં થયેલી મોટી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક વર્ષ પૂર્વે દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા સીલ મારી બંધ કરાવવામાં આવી હતી અને ત્યારથી હોટલ બંધ હાલતમાં હતી.

આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ હોટલને નિશાન બનાવી પાછળનો દરવાજો તેમજ કાચની બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં હોટલના વિવિધ વિભાગોમાંથી આશરે રૂ. ૩ લાખના ઇલેક્ટ્રિક વાયર, ત્રણ સીલીંગ ફેન, ચાર ટીવી, એક એર કંડીશનર અને કોમ્પ્યુટર એસેસરીઝ સહિત કુલ રૂ. ૪,૦૪,૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે હોટલના સંચાલક અબ્દુલકાદીર કાસમભાઈ સિદાદ (રહે. રાજકોટ) દ્વારા દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે પાંચ આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં બસીર પટેલીયા, જાવેદ લુચાણી, ઇમામશાહ શેખ, અરમાનશા ફકીરબાવા અને કનૈયાલાલ હિંડોચાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આ આરોપીઓ અગાઉ અન્ય ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application