જામનગરના મોટી ખાવડી ગામે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ
તિરંગા યાત્રામાં શહીદોના પરિવારજનો તથા સેનાના નિવૃત જવાનોનું વિશિષ્ટ સન્માન કરી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ
તિરંગા થીમ આધારિત આકર્ષક વેશભૂષા અને સ્થાનિકોની ઉમળકાભેર ભાગીદારીથી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
આઝાદીના પર્વ નિમિત્તે ગ્રામ કક્ષાએ ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે ‘હર ઘર તિરંગા યાત્રા’નું અત્યંત ઉત્સાહપૂર્વક અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં સમગ્ર ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના ગગનભેદી નારાઓ સાથે નીકળેલી આ યાત્રામાં પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સેનાના નિવૃત જવાનો તથા શહીદોના પરિવારજનોનું વિશિષ્ટ સન્માન કરી ભાવપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ, ગામના બાળકો અને યુવાનો દ્વારા 'હર ઘર તિરંગા' થીમ પર આધારિત આઝાદીના વીર શહીદો અને દેશભક્તોની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. આ વેશભૂષા અને સાંસ્કૃતિક ઉત્સાહે ગ્રામજનો અને ઉપસ્થિત સૌ નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવી હતી.
આ પ્રસંગે ડો.વિનુભાઈ ભંડેરી, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, A.P.M.C. ના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યો સહિત સ્થાનિક અગ્રણીઓ, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ભવ્ય તિરંગા યાત્રાએ મોટી ખાવડી ગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જ એક નવી રાષ્ટ્રીય ચેતના અને એકતાનો સંચાર કર્યો હતો.