જાડાના વિકાસ નકશામાં જામનગર તાલુકાના ૧૦ ગામનો સમાવેશ

  • September 22, 2026 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાડાના વિકાસ નકશામાં જામનગર તાલુકાના ૧૦ ગામનો સમાવેશ 


જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા) દ્વારા શહેર આસપાસના વિસ્તારોના આગામી વર્ષોના આયોજિત વિકાસને ધ્યાનમાં રાખીને મુસદ્દા‚પ વિકાસ નકશો-૨૦૪૭ તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર તાલુકાના ૧૦ ગામનો સમાવેશ કરાયો છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૧૩ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૫ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૮-૮-૨૦૧૧ના જાહેરનામાથી વાડીનાર વિસ્તાર વિકાસ સત્તામંડળને અસ્તિત્વવિહીન જાહેર કરવામાં આવ્યા બાદ તેના હેઠળ આવતા જામનગર તાલુકાના વસઈ, આમરા, લાખાબાવળ, મસીતીયા, જીવાપર, દોઢિયા, બાલંભડી, ચાંપા બેરાજા, વાવ બેરાજા અને ગાડુકા એમ કુલ ૧૦ ગામોનો જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ૧૦ ગામોના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ માટે તૈયાર કરાયેલા વિકાસ નકશો-૨૦૪૭માં વિસ્તારની હાલની સ્થિતિ, જમીનના વર્તમાન ઉપયોગ, ભાવિ જ‚રિયાતોને અનુ‚પ સૂચિત જમીન ઉપયોગ ઉપરાંત વિવિધ વિકાસલક્ષી દરખાસ્તો અને ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુસદ્દા‚પ વિકાસ યોજનાના પ્રથમ ભાગમાં હાલની સ્થિતિનું મૂલ્યાંકન અહેવાલ હેઠળ વિકાસ નકશામાં સમાવિષ્ટ જમીનોની વર્તમાન સ્થિતિ અને ઉપયોગ અંગે હાથ ધરાયેલા સર્વેની વિગતો રજૂ કરવામાં આવી છે. જ્યારે બીજા ભાગમાં આયોજન દરખાસ્તો અને ભલામણો હેઠળ સૂચિત જમીન ઉપયોગ, વિકાસ માટેની વિવિધ દરખાસ્તો તથા ભલામણો દર્શાવવામાં આવી છે. વિકાસ યોજનાને અનુરૂપ ગુજરાત સંયુક્ત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમોમાં જરૂરી સુધારા અને જોગવાઈઓ પણ તેમાં સૂચવવામાં આવી છે.

બે મહિનામાં વાંધા-સૂચનો રજૂ કરી શકાશે

અધિસૂચના મુજબ રાજ્યના રાજપત્રમાં મુસદ્દારૂપ વિકાસ યોજનાની પ્રસિદ્ધિ થયાની તારીખથી બે મહિનાની અંદર કોઈપણ વ્યક્તિ પોતાના વાંધા અથવા સૂચનો જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ સમક્ષ રજૂ કરી શકશે. પ્રાપ્ત થનારા વાંધા અને સૂચનો અંગે સત્તામંડળ દ્વારા નિયમોનુસાર વિચારણા કરવામાં આવશે. મુસદ્દારૂપ વિકાસ નકશો તેમજ તેની સાથે જોડાયેલા દસ્તાવેજો જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી, ડો. હેડગેવાર કોમ્પ્લેક્સ, સાત રસ્તા સર્કલ પાસે, જામનગર ખાતે કચેરીના કામકાજના દિવસો અને સમય દરમિયાન જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application