જામનગરમાં પોણા લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

  • August 03, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પોણા લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ધ્રોલ, ધ્રાફા ફાટક, દરેડ, દિ.પ્લોટમાં દારૂ અંગે દરોડા : ચાર ઝબ્બે, ફલ્લા ગોળાઇમાં કારમાં દેશી દારૂ સાથે બે શખ્સની અટક 

જામનગર શહેરના સ્વામીનારાયણનગર, ડ્રીમ સિટી વિસ્તારમાં મામા સાહેબના મંદિર પાસે આવેલા મકાનમાં સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી ૭૫,૬૦૦ના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક આરોપી સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અન્ય પાંચ સ્થળે દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ધ્રોલ ત્રિકોણ બાગ, ધ્રાફા ફાટક, શહેરના દિ.પ્લોટ, દરેડ જીઆઇડીસીમાં શરાબની નાની મોટી બોટલો સાથે શખ્સો ઝપટમાં આવ્યા હતા તેમજ ફલ્લાની ગોળાઇ પાસે કારમાં દેશી દારુ લઇને નીકળેલા ધ્રોલના બે શખ્સોની અટક કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં દારૂ અને જુગારના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતું. દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે જુવાનસિંહ બહાદુરસિંહના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ (ઇંગ્લિશ દારૂ)ની ૩૬ બોટલ કિંમત રૂ. ૪૬,૮૦૦ તથા ચપ્પલના ૯૬ નંગ કિંમત રૂ. ૨૮,૮૦૦ મળી કુલ રૂ. ૭૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઢેરે ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાએ આરોપી જુવાનસિંહ બહાદુરસિંહ વાળા સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં જોડીયાના નાનાવાસમાં રહેતા ગુલામહુશેન આમદ સુરંગીને ફોરવ્હીલ કારમાં ૩ ચપટા લઇને ત્રિકોણ બાગ રોડ પરથી નીકળતા ધ્રોલ પોલીસે પકડી લીધો હતો જયારે જામજોધપુરમાં રહેતા અક્રમ ઉર્ફે નવાઝ સલીમ નાઇને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધ્રાફા ફાટક પાસેથી દબોચી લીધો હતો જેમા મેલાણ ગામના ધૈયાભાઇ રબારીનું નામ ખુલ્યુ હતું.

આ ઉપરાંત શંકરટેકરીમાં રહેતા નિમેશ જીતુ રાઠોડને ઇંગ્લીશ દારૂના બે ચપલા સાથે ૫૮ દિ.પ્લોટમાંથી પકડી લીધો હતો તેમજ ૫૮ દિ.પ્લોટમાં રહેતા વેપાર કરતા ધીરજ ઉર્ફે ભુપત હરીરામ ચાંદ્રાને ઇંગ્લીશ દારૂની ૩૮ બોટલ, બે ચપલા મળી કુલ ૪ હજારના મુદામાલ સાથે દરેડ જીઆઇડીસી ચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને આ બાબતે પુછપરછ કરી હતી. ઉપરાંત ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા અલ્તાફ કારા મકવાણા તથા જહાંગીર રસુલ મકવાણા આ બંનેન ફલ્લા ગોળાઇ પાસેથી ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીજે-૫૧૪૯માં ૫૦ લીટર દેશી દારૂ લઇને નીકળતા પોલીસે પકડી લીધા હતા. કાર, દારૂ અને મોબાઇલ મળી કુલ ૩.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application