જામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ

  • October 23, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : પ્રશ્નના ​​​​​​​ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ


જામનગરના વોર્ડ નં.૧૧ માં  ભૂગર્ભ ગટરની કામગીરી માટે ૬ વર્ષથી ગ્રાન્ટની ફાળવણી નહીં..!


જામનગરના વોર્ડ નં.૧૧ માં ૬ વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરી માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. આ પ્રશ્ર્નના ઉકેલ માટે ખુદ શાસક પક્ષ ભાજપના નગરસેવકે અગાઉ ૧૧૧૧ ઇનામની જાહેરાત કરી હતી. પરંતુ ૩ મહીના બાદ પણ સમસ્યા ન ઉકેલાતા કમિશ્ર્નરને કરેલી રજૂઆતમાં મનપાના એન્જીનયરો અને કોન્ટ્રાકટરોને ઇનામની રકમ વધારીને ૫૫૫૫ કરવામાં આવી છે. બીજી બાજુ જો શાસક પક્ષના નગરસેવકની રજૂઆતો મનપામાં ઘ્યાને ન લેવાતી હોય સામાન્ય નાગરીકની રજૂઆતો અને ફરિયાદોનું શું થતું હશે તે સમજી શકાય તેવી બાબત છે. 

જામનગરના વોર્ડ નં.૧૧ના ભાજપના નગરસેવક પ્રકાશભાઇ રાઠોડે કમિશ્ર્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર ગુલાબનગર પાસે આવેલી સીન્ડીકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લાં ૬ વર્ષથી પાઇપ ગટર બ્લોક છે. આ સમસ્યા અંગે મનપાના બાહોશ અને વિઘ્વાન એન્જીનયરો દ્વારા વારંવાર નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રશ્ર્નનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આ અંગે મનપાની ભૂગર્ભ શાખાના ઇજનેર દીક્ષીતભાઇને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે ભૂગર્ભ ગટર બનાવવાની હાલ કોઇ ગ્રાન્ટ નથી. કયાં હેડમાંથી લેવી તે જોવું પડશે. ખરેખર સીન્ડીકેટ સોસાયટી તથા શ્યામ ટાઉનશીપમાં છેલ્લાં છએક વર્ષથી ગટર બ્લોક હોય ખૂબજ ખરાબ સ્થિતિ છે. સફાઇ કર્મચારીઓ ટાંકા દ્વારા ભૂગર્ભ ગટરનું પાણી ખેંચી રહ્યા છે. છેલ્લાં ૬ વર્ષથી આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રાન્ટ ન હોય તે માનવાને કોઇ કારણ નથી. રાજય અને કેન્દ્વ સરકાર રોડ-રસ્તા, લાઇટ અને ભૂગર્ભ ગટરના કામ માટે કરોડોની ગ્રાન્ટ આપે છે. પરંતુ યેનકેન પ્રકારે આ વિસ્તાર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. આ અંગે તા.૨૯-૭-૨૦૨૬ના કરેલી રજૂઆતમાં આ સમસ્યાનો ઉકેલ લાવનાર મનપાના એન્જીનીયર અને કોન્ટ્રાકટરને ૧૧૧૧ના ઇનામની જાહેરાત કરી હતી. પરંતુ તેને પણ ૩ મહીના થવા છતાં પ્રશ્ર્ન જેમ નો તેમ હોય ઇનામની રકમ વધારી ૫૫૫૫ કરી  આ સમસ્યાના ઉકેલની માંગણી કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application