રાજકોટના કૌભાંડી અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગરમાં પણ સીટની રચના

  • October 23, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કૌભાંડી અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગરમાં પણ સીટની રચના

​​​​​​​
ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેમની પાસે ખંડણીની માગણી કરવા તેમજ બળજબરી અને છેતરપિંડીથી જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રાજકોટ રેન્જના ડીઆઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. એક જ ટોળકી સામે રાજકોટ અને જામનગરમાં અલગ-અલગ એસઆઈટીની રચના કરવામાં આવી હોય તેવો આ કિસ્સો અનોખો માનવામાં આવે છે.

અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર જિલ્લામાં પણ ગુનાઓ નોંધાયા છે. આ ટોળકી સામે રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે અગાઉ એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. હવે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ તેમજ આ ટોળકી વિરુદ્ધ મળેલી અરજીઓની તપાસ માટે અલગથી એસઆઈટીની રચના કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રચાયેલી એસઆઈટીના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગનાં એએસપી પ્રતિભા રાવને નીમવામાં આવ્યાં છે, જ્યારે જામનગરના ડીવાયએસપી જે.એન. ઝાલાને મદદનીશ તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં થયેલી તમામ અરજીઓ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી જામનગર જિલ્લાને લગતી અરજીઓ પણ તપાસ માટે એસઆઈટીને સોંપવામાં આવી છે. એસઆઈટીને તમામ ગુનાઓ અને અરજીઓની તપાસની પ્રગતિનો અહેવાલ દર સોમવારે રાજકોટ રેન્જના ડીઆઈજીને મોકલવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ ટોળકી સામે ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી ખંડણી માગવા તેમજ જમીનો પચાવી પાડવા સહિતના આક્ષેપો થયા છે. થોડા સમય પહેલાં પોલીસે ટોળકી દ્વારા પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપોવાળી રૂ. ૧૦૦ કરોડથી વધુ કિંમતની જમીનો મૂળ માલિકોને પરત અપાવી હતી. હવે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને મળેલી અરજીઓની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ટોળકીનો ભોગ બનેલા લોકોને લાલપુર વિભાગનાં એએસપીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. કાલાવડ પંથકમાં અલ્પેશ એન્ડ ટોળકી સામે ત્રણ જુદી જુદી ફરીયાદ નોંધાઇ હતી જેમાં ટાઉન પોલીસે અમુક આરોપીની અટકાયત કરી હતી જયારે અલ્પેશને રાજકોટ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application