કાન્હાની નગરીમાં કાલથી ગૂંજશે હર હર મહાદેવનો નાદ

  • August 12, 2026 11:56 AM 

કાન્હાની નગરીમાં કાલથી ગૂંજશે હર હર મહાદેવનો નાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ

ભગવાન ભોળાનાથના મહાપર્વ એવા શ્રાવણ માસનો આવતીકાલે ગુરુવારથી મંગલ પ્રારંભ થનાર છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિવભક્તો શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા થનગની રહ્યા છે. અહીંના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ખાસ પૂજન-અર્ચન સહિતના ધાર્મિક આયોજનોને આખરી ઓપ અપાઈ ગયો છે.

દેવાધિદેવ મહાદેવને રિઝવવાના તહેવાર સમાન પવિત્ર શ્રાવણ માસનો ગુરૂવાર તા. ૧૩ મી થી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રાચીન તેમજ પ્રખ્યાત શિવ મંદિરોમાં ભોળાનાથની ભાવભરી રીતે ભક્તિ કરવામાં આવશે. તમામ શિવાલયોમાં દરરોજ ચાર પ્રહરની આરતી તેમજ નાના મોટા શિવ મંદિરો શિવભક્તોની ભીડથી જોવા મળશે.

ખંભાળિયામાં આવેલા પુરાણ પ્રસિદ્ધ એવા શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ (મહાદેવ વાડો), સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ ઉપરાંત કોટા ગામે નૈસર્ગિક સૌંદર્યતા વચ્ચે બિરાજમાન પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર, દાત્રાણા ગામે બિરાજમાન ધીંગેશ્વર મહાદેવ, સહિતના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભોળાનાથના ભક્તો દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર, વિગેરે દ્વારા ભોળાનાથની ભક્તિ કરવા ઉમટી પડશે. 

ખામનાથ મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં યોજાતી ઘી ની મહાપૂજાના અલભ્ય દર્શન મજ વિવિધ મંદિરોમાં દીપમાળા સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ભક્તો દ્વારા ભોળાનાથને થાળ-પ્રસાદ તેમજ હવન અને પૂજનના કાર્યક્રમોના પણ આયોજન થઈ રહ્યા છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમો માટે ભોળાનાથના ભક્તો તેમજ પૂજારીઓ અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.

આ ઉપરાંત દેશના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા દ્વારકા સ્થિત નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો પૂજન-અર્ચન તેમજ દર્શન માટે ઉમટી પડશે. ગુરૂવારથી આખો શ્રાવણ મહિનો શિવભક્તો ભોળાનાથની ભક્તિ કરીને પુણ્યનું ભાથું બાંધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application