જામનગરમાં ગૌવંશમાં લમ્પીનો કોઇ કેસ નથી, મનપાનો દાવો

  • August 04, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગૌવંશમાં લમ્પીનો કોઇ કેસ નથી, મનપાનો દાવો

ચોમાસામાં મચ્છર, માખી, ઇતરડી, બગાઇ સહીતના જીવજંતુ કરડવાથી ગાયને લમ્પી રોગ થતો હોય તકેદારી જરૂરી ​​​​​​​
૪૦ દીવસમાં ૪૦૦૦ ગાયને વેકસીન આપવામાં આવી: ગાયને તાવ આવે, દૂધ ઓછું આપે તે લમ્પી રોગના લક્ષણો

જામનગરમાં હાલમાં ગૌવંશમાં લમ્પીનો કોઇ કેસ ન નોંધાયાનો દાવો મહાનગરપાલીકાના વેટરનીટી તબીબોએ કર્યો છે. ચોમાસામાં મચ્છર, માખી,ઇતરડી, બગાઇ સહીતના જીવજંતુ કરડવાથી ગાયને લમ્પી રોગ થતો હોય તકેદારી રાખવા ગાયના માલીકોને અનુરોધ કરાયો છે. મનપા દ્વારા ૪૦ દીવસમાં શહેરના જુદા-જુદા વોર્ડમાં ૪૦૦૦ જેટલી ગાયને લમ્પી વીરોધી વેકસીન આપવામાં આવી છે. ગાયને તાવ આવે, દૂધ ઓછું આપે તે લમ્પી રોગના લક્ષણો છેે. 

જામનગરમાં ગૌવંશને લમ્પી રોગના શંકાસ્પદ લક્ષણો દેખાયા હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને શહેરના રણજીતસાગર રોડ સહીત અન્ય વિસ્તારમાં ત્રણેક ગાયમાં લમ્પી રોગના લક્ષણો દેખાયાની રાવ ઉઠી હતી. પરંતુ મહાનગરપાલીકાના વેટરનીટી ઓફીસરે કાર્તિકભાઇએ શહેરમાં હાલમાં ગૌવંશમાં લમ્પી રોગના લક્ષણો દેખાયાની ફરિયાદો અંગે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં અત્યાર સુધીમાં ગૌવંશમાં લમ્પી રોગનો કોઇ કેસ નોંધાયો નથી. જે ફરિયાદો ઉઠી છે તે કેસ જૂના હોઇ શકે છે. કારણ કે, ગાયને લમ્પી રોગ થાય તો તેના શરીર પર ફોલ્લા પડે છે અને ફૂટી જાય છે. જે ફરિયાદો આવી છે તેમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી.

ચોમાસામાં ગૌવંશમાં લમ્પી રોગચાળો વધુ જોવા મળે છે. આથી શહેરના જુદા-જુદા વોર્ડમાં ૪૦ દીવસમાં ૪૦૦૦ જેટલી ગાયને લમ્પી વિરોધી વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. ગૌવંશમાં લમ્પી રોગ મચ્છર, માખી, ઇતરડી, બગાઇ જેવા જીવજંતુ કરડવાથી વધુ થાય છે. દૂષીત ખોરાક અને પાણીથી ગાયને આ રોગચાળો થવાની શકયતા ઓછી હોવાનું વેટરનીટી ઓફીસરે ઉમેર્યું હતું. ગૌવંશને લમ્પી રોગ થતાં ખોરાકનું પ્રમાણ અને દૂધ ઉત્પાદકતા ઘટી જાય છે. આટલું જ નહીં શરીર પર ફોલ્લા એટલે કે ગાંઠો, પગામાં સોજા, આંખ અને નાકમાંથી સતત પ્રવાહી ટપકવું વગેરે લક્ષણો જોવા મળે છે. આથી ગૌવંશને લમ્પી રોગ ન થાય તે માટે તકેદારી રાખવા ઢોરમાલીકોને અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application