દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
૧૬.૩૭ લાખનો મુદ્દામાલ મળી આવ્યો: ત્રણેયની પુછપરછ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે કલ્યાણપુર પોલીસને સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતી.
તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઇ આલાભાઇ દેથરીયા તથા નીલેશભાઇ સુકાભાઇ ગોજીયાને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે એક સફેદ અને કાળા રંગની થાર રોક્ષ કાર (રજીસ્ટ્રેશન નંબર -૧૩૦૫૦૫) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કલ્યાણપુર ગામ તરફથી રાવલ ગામ બાજુ જવામાં આવી રહી છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને સદર કારને આંતરી રેઇડ કરી હતી.
આ રેઇડ દરમિયાન પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૫૪ બોટલો (કિંમત રૂ. ૫૯,૪૦૦/-) અને ૧૮૦ એમ.એલ.ની ૧૯૨ બોટલો (કિંમત રૂ. ૪૮,૦૦૦/-) મળી કુલ ૨૪૬ બોટલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૩ નંગ મોબાઇલ ફોન અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી ૧૫,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની મહિન્દ્રા થાર રોક્ષ કાર મળીને કુલ રૂ. ૧૬,૩૭,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ત્રણ આરોપીઓ બ્રીજરાજસિંહ સુખદેવસિંહ ગોહીલ (ઉં.વ. ૨૬, રહે. ઓદરકા, ભાવનગર), દિપક છગનભાઇ ગોહેલ (ઉં.વ. ૨૬, રહે. મોટી ખાવડી, જામનગર) અને દિવ્યરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉં.વ. ૨૭, રહે. જામનગર) ની અટકાયત કરી તેમની વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી બ્રીજરાજસિંહ ગોહીલ વિરુદ્ધ અગાઉ અલંગ અને ઘોઘા પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ પ્રોહીબિશનના અલગ-અલગ ૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે દિપક ગોહેલ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો એક અને દિવ્યરાજસિંહ પરમાર વિરુદ્ધ જામનગર સીટી-બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.