જામનગર પંથકમાં ભીમ અગીયારસના દિને જુગાર રમતા ૧૩ શખ્સ ઝબ્બે
કડબાલ નદી કાંઠા અને ખેંગારકા રોડ પર પોલીસ પ્રગટી : ૧૬ હજારની મત્તા કબ્જે
જામનગર પંથકમાં ભીમ અગીયારસના દિવસે પોલીસ દ્વારા બે સ્થળે જુગાર અંગે દરોડા પાડીને ૧૩ શખ્સોને ૧૬ હજારની મતા સાથે પકડી લીધા હતા જેમાં જામજોધપુરના કડબાલ નદી કાંઠે ટોર્ચ લાઇટના અંજવાળે ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા ૭ શખ્સોને ૧૧ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા જયારે ખેંગારકા જવાના રસ્તે ગંજીપતા વડે જુગાર રમતા ૬ શખ્સોને ૬ હજારની મતા સાથે પકડી લીધા હતા.
કડબાલ ગામમાં નદી કાંઠે કેટલાક શખ્સો તિનપતી વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે દરોડો પાડયો હતો આ વિસ્તારમાં ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા કડબાલ ગામના ખેતી કરતા જગમાલ લખુ ડાંગર, દેવશી કરણા કાંબરીયા, જગદીશ પરબત ગંભીર, વિશાલ દેવશી વરૂ, નિલેશ જેસા ડાંગર, મુન્ના વજશી બેલા અને જીજ્ઞેશ હરદાસ બરાઇ નામના શખ્સોને રોકડ ૧૧૦૫૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં ધ્રોલ તાલુકાના વીરાણી ખીજડીયાથી ખેંગારકા જવાના રસ્તે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રાજકોટના અણીયારા ગામના ભાવેશ રમેશ પરમાર, વિરાણી ખીજડીયાના ગંગારામ પુરણદાસ સોલંકી, જાલીયા માનસરના દેવજી ધના જાદવ, વિરાણી ખીજડીયાના મોતીરામ લાલદાસ પરમાર, જાલીયા માનસરના છોટાલાલ ભીખા ડાંગર અને વિરાણી ખીજડીયા ગામના લક્ષ્મીદાસ પુરણદાસ સોલંકીને સ્થાનીક પોલીસે રોકડા ૫૯૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.