શહેર ટ્રાફિક પોલીસની કોમ્બિંગ નાઇટ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો ઝપટે ચડયા હતાં. જેમાં નંબર પ્લેટ વગરના ૧૪૭ વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતાં. ડ્રાઇવ દરમિયાન 249 જૂના પેન્ડિંગ ચલણની વસુલાત કરી હતી.
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા તેમજ નંબર પ્લેટ વગરના વાહનોના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે ટ્રાફિક પોલીસે કોમ્બિંગ નાઇટ ડ્રાઇવ યોજી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ તા.19 સપ્ટેમ્બરની રાત્રિના સમયે કોમ્બિંગ નાઇટ રાઉન્ડ યોજાયો હતો. ત્યારબાદ તા.20 સપ્ટેમ્બરે દિવસ દરમિયાન પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ/મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ મહત્વના ટ્રાફિક જંકશનો તેમજ સ્થળોએ વાહનોની તપાસ કરવામાં આવી હતી.
કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગરના કુલ 147 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં 19 ફોરવ્હીલર અને 128 ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન ડિટેઇન કરાયેલા વિવિધ વાહનોનો અગાઉનો રેકોર્ડ તપાસવામાં આવતા અનેક વાહનોના જૂના ચલણ પણ પેન્ડિંગ હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે આવા કુલ 249 જૂના પેન્ડિંગ ચલણ ભરાવડાવી રૂ.1,19,200ની પેનલ્ટી વસૂલ કરી હતી.
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, વાહનો પર નિયમ મુજબ નંબર પ્લેટ લગાવેલી હોય અને માર્ગ સલામતી જળવાઇ રહે તે માટે આવી સઘન ચેકિંગ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.