BREAKING NEWS

અમદાવાદમાં હોસ્ટેલની બિલ્ડિંગ પરથી ઝંપલાવી 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત, એક દિવસ પહેલા જ વતનથી આવ્યો હતો

  • August 14, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના વ્યસ્ત અને પ્રખ્યાત એસજી હાઈવે પર આવેલા સોલા ઉમિયા કેમ્પસની જે.એસ.પટેલ બોયઝ હોસ્ટેલમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહીને અભ્યાસ કરતા માત્ર ૧૬ વર્ષના આશાસ્પદ સગીર વિદ્યાર્થી તુષાર દોલતભાઈ પટેલે હોસ્ટેલની ઈમારત પરથી પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. નાની ઉંમરે વિદ્યાર્થીના આ રીતે અકાળે અને આત્યંતિક પગલું ભરવાથી શૈક્ષણિક સંકુલ, તેના સાથી મિત્રો અને પરિવારજનોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.


મળતી વિગતો અનુસાર, મૂળ દેત્રોજ તાલુકાના ગીતાપુર ગામનો વતની તુષાર પટેલ હોસ્ટેલની બિલકુલ નજીક જ આવેલી જાણીતી આર.સી. ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે પોતાના ગામડેથી અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો હતો અને છેલ્લા એકાદ મહિનાથી જ આ બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. ઘટનાના એક દિવસ પહેલાં જ તે પોતાના વતન ગીતાપુરથી પરત હોસ્ટેલ ખાતે આવ્યો હતો. અચાનક જ બોયઝ હોસ્ટેલના ૧૧મા અને ૧૨મા માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.


બનાવની જાણ થતાં જ સોલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવતા જ વતનના સગા-સંબંધીઓ આઘાતમાં સરી પડ્યા હતા અને તુરંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

માત્ર ૧૬ વર્ષના આશાસ્પદ વિદ્યાર્થીએ આટલું મોટું અને દર્દનાક પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સોલા પોલીસની ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિદ્યાર્થી અભ્યાસના કોઈ માનસિક દબાણ હેઠળ હતો, કોઈ અન્ય કૌટુંબિક કે અંગત સમસ્યા નડી રહી હતી, તે તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને પોલીસ તેના રૂમમેટ્સ, કોલેજના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application